રાજકોટ
News of Thursday, 16th July 2020

૯૫ વર્ષના વૃધ્ધ અને ૧૫ વર્ષના તરૂણ સહિત ૧૬ લોકોએ કોરોનાને હરાવ્યોઃ ડીસ્ચાર્જ

૮૦ દર્દીઓની ક્ષમતા ધરાવતા કોવિડ કેર સેન્ટરમાં ૫૯ લોકો સારવાર હેઠળ

રાજકોટઃ જુલાઇ- કોરોના મહામારીના વધી રહેલા સ્થાનિક સંક્રમણ વચ્ચે  રાજકોટના કોવિડ કેર સેન્ટર ખાતેથી આશાના સમાચાર સાંપડયા છે. ૯૫ વર્ષના વૃધ્ધશ્રી બચુભાઇ નાગજીભાઇ જાગાણી અને ૧૫ વર્ષના તરૂણશ્રી અક્ષય રસિકભાઇ જાગાણી સહિત કુલ ૧૬ વ્યકિતઓ કોરોના સામેનું યુધ્ધ લડીને વિજેતા થયા છે, અને આ તમામને એકી સાથે ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેર સેન્ટર ખાતે હજુ પણ અન્ય ૨૯ દર્દીઓને કોરોનાની સઘન સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ કોર્ટની બાજુમાં આઇ.પી.મિશન ચોક ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની અન્ય એક ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ સેન્ટર ખાતે સારવાર લેનાર અત્યાર સુધી એક પણ દર્દી મૃત્યુ પામેલ નથી. ૮૦ દર્દીની ક્ષમતા ધરાવતા આ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે ૫૯ વ્યકિતઓ કોરોનાની સારવાર અર્થે અહીં દાખલ થયેલા છે, જેમાં ૪૨ પુરૂષો અને ૧૭  સ્ત્રીઓ સામેલ છે.

જે વ્યકિતઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે,  તેમાં વસંતબેન દિલીપભાઈ જાગાણી ૪૧ વર્ષ, દિલીપભાઈ મનસુખભાઈ ત્રિવેદી ૫૦ વર્ષ, પ્રિયાંશ દામોદરભાઈ સાપોવાડીયા ૩૮ વર્ષ, માસુબેન પ્રભાતભાઈ આગરીયા ૫૭ વર્ષ, પદ્માબેન પ્રેમજીભાઈ ઘાવરી ૪૦ વર્ષ, અમરાબેન રાવતભાઇ બુજરીયા ૬૫ વર્ષ, ગીતાબેન કિશોરભાઈ રાઠોડ ૩૦ વર્ષ, પૂનમબેન જગદિશભાઈ વાદ્યેલા ૨૭ વર્ષ, બચુભાઈ નાગજીભાઈ જાગાણી ૯૫ વર્ષ, વીર ભાનુશાભાઈ હુંબલ ૩૮ વર્ષ, વનીતાબેન મનીષભાઈ સોરઠીયા ૨૭ વર્ષ, છગનભાઈ સોમાભાઈ નકુમ ૪૪ વર્ષ, કાજલબેન દિલીપભાઈ સંઘાણી ૨૨ વર્ષ, રૂપેશભાઈ જગદીશભાઈ વાઘેલા ૩૦ વર્ષ, અક્ષય રસિકભાઈ જાગાણી ૧૫ વર્ષ અને રીંકલ ગિરધરભાઈ ટીલવા ૩૮ વર્ષનો સમાવેશ થાય છે, તેમ આ કેર સેન્ટરના ડો. ચુનારાની યાદીમાં જણાવાયું છે.

(3:21 pm IST)