રાજકોટ
News of Thursday, 16th July 2020

સફાઇ કામદાર પાસેથી લાંચ લેવાના ગુન્હામાં પકડાયેલ મ્યુનિ. કોર્પો. ના સેનેટરી ઇન્સ્પેકટરની જામીન અરજી રદ

આરોપી વિરૂધ્ધ ફોન રેકોર્ડીંગ સહિતના પુરાવા સાથેનો પ્રથમ દર્શનીય કેસ છે : કોર્ટ

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની હુડકો વોર્ડ ઓફીસમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને રૂ. છ હજારની લાંચ લેતા પકડાઇ ગયેલા આરોપી સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશ આબાદસિંહ વસાવાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ જજશ્રી કે.ડી. દવેએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની હુડકો વોર્ડ ઓફીસમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને જામનગર રોડ ઉપર બજરંગવાડી પાસેના રાજીવનગરમાં રહેતા સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશ આબાહસિંહ વસાવાએ સફાઇ કામદાર ગેરહાજર હોવા છતાં તેની હાજરીની નોંધ કરવા અંગે સફાઇ કામદાર પાસેથી ૭ હજારની લાંચ માંગી હતી. રકઝક અને છ હજાર આપવાનું નકકી થતાં સેનેટરી ઇન્સ્પેકટર લાંચના છટકામાં એ.સી.બી.ના હાથમાં ઝડપાઇ ગયા હતાં.

આ અંગે એ.સી.બી. દ્વારા લાંચ અંગેનો ગુનો નોંધીને ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપી મૃગેશ વસાવાએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીનાં વિરોધમાં સરકારી વકીલ રક્ષિત કલોલાએ રજુઆત કરેલ કે આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો સેનેટરી ઇન્સ્પેકટ સાથે ફોન ઉપર લાંચ માંગવા અંગે થયેલ વાતચીતનું ઓડીયો રેકોર્ડીંગ સહિતના પુરાવાઓ આરોપીઓ વિરૂધ્ધ હોય અને આરોપી સમાજ વિરોધી ગુનામાં સંડોવાયેલ હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજશ્રી કે.ડી. દવેએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. રક્ષિત વી. કલોલા રોકાયા હતા.

(3:17 pm IST)