રાજકોટ
News of Tuesday, 16th July 2019

આજે રાત્રે સૂરસંસારના મોજીલા ગીતો વરસશે

દિલથી ગાયેલા ગીતોનો અવાજ લોકોના દિલ સુધી જરૂર પહોંચે : મૃદુલા દેસાઈ : મૃદુલા દેસાઈ-સોનલ ગઢવી - સાગર સાવરકર સૂરોની લ્હાણ વહાવશે : ત્રણ કવ્વાલીઓ પણ રજૂ થશે : ગાયકો 'અકિલા'ના આંગણે

રાજકોટ, તા. ૧૬ : આજે રાત્રીના સદાબહાર ગીતો ગુંજશે. ગાયકો મૃદુલા દેસાઈ, યુવા ગાયક સાગર સાવરકર અને  સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કોકીલકંઠી ગાયિકા સોનલ ગઢવીના સૂરોની રસલ્હાણ વહાવશે. આ ગાયકો આજે 'અકિલા'ના આંગણે આવ્યા હતા અને 'અકિલા લાઈવ ન્યુઝ'માં જૂના ગીતો પીરસી શ્રોતાઓને મજા મજા કરાવી દીધી હતી.

સૂરસંસાર દ્વારા આજે રાત્રીના હેમુગઢવી હોલ ખાતે સદાબહાર ગીતોનો કાર્યક્રમ રાખેલ છે. સૂરસંસારનો આ સળંગ ૧૪૬મો કાર્યક્રમ છે. આ તકે સુપ્રસિદ્ધ ગાયિકા મૃદુલા દેસાઈએ જણાવેલ કે, દિલથી ગાયેલા ગીતોનો અવાજ લોકોના દિલ સુધી પહોંચે છે. જુના - પુરાણા ગીતો સંગીતપ્રેમીઓને પીરસવાનો આનંદ આવે છે.

આજે રાત્રીના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના કોકીલકંઠી સોનલ ગઢવી લતાજીના ગીતો પીરસશે. જયારે યુવા ગાયક કલાકાર સાગર સાવરકર પણ પોતાના જોશીલા અંદાજમાં ગીતો રજૂ કરશે. કાર્યક્રમમાં ત્રણ કવ્વાલીઓ પણ રાખવામાં આવી છે. સંગીતપ્રેમીઓને ઝૂમતા કરી દેશે. મૃદુલા દેસાઈના અન્ય ગીતો મસ્તીલા મોજીલા અને માદક હશે.

વાદ્યવૃંદ વડોદરાના જીજ્ઞેશ પટેલ અને સાથીદારોનું છે. ઉદ્દઘોષક રશ્મિ માણેક કરશે. સૂરસંસારનું કોરસવૃંદ ગાયકોને સાથ પુરાવશે.

ઉપરોકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગાયકો સર્વેશ્રી મૃદુલા દેસાઈ, સોનલ ગઢવી, સાગર સાવરકર સાથે મનીષભાઈ શાહ અને ભગવતીભાઈ મોદી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)