રાજકોટ
News of Tuesday, 16th July 2019

ત્રંબા પાસે આખલો આડે આવતા બાઇક સ્લીપઃ સત્યમ્ પાર્કના શિક્ષક ભીખુભાઇ તેરૈયાનું મોત

જસદણના નાની લાખાવડ સીમ શાળામાં ફરજ બજાવતાં હતાં: ત્યાંથી ઘરે આવતી વખતે બનાવઃ મુળ વતન જસદણમાં અંતિમવિધીઃ રાજગોર બ્રાહ્મણ પરિવારમાં ગમગીની : ચાર બહેનના એકના એક ભાઇ

રાજકોટ તા. ૧૬: ત્રંબા અને સરધાર વચ્ચે રંગૂન માતાજીના મંદિર સામેના રોડ પર રાત્રીના સાડા નવેક વાગ્યે અચાનક આખલો રોડ વચ્ચે દોડી આવતાં ૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્કમાં હુન્ડાઇના શો રૂમ સામે રહેતાં અને જસદણના નાની લાખાવડ ગામે સીમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાજગોર બ્રાહ્મણ ભીખુભાઇ ઉમિયાશંકર તેરૈયા (ઉ.૫૫)નું બાઇક સ્લીપ થઇ જવાથી ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મુળ જસદણના વતની અને હાલ સત્યમ્ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતાં ભીખુભાઇ તેરૈયા નાની લાખાવડની સીમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોઇ દરરોજ પોતાના બાઇક પર અપડાઉન કરતાં હતાં. સાંજે ત્યાંથી પરત જીજે૩ઇએફ-૩૨૩૦ પર બેસી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે ત્રંબા-સરધાર વચ્ચે રંગૂન માતાજીના મંદિર પાસે બાઇક આડે અચાનક આખલો (બળદ) આડે આવતાં કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં માથા-શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે જાણ કરતાં આજીડેમના પીએસઆઇ આર. વી. કડછાએ મૃતકના પુત્ર જયભાઇ તેરૈયાની ફરિયાદ પરથી મૃતક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કરૂણતા એ છે કે અકાળે કાળનો કોળીયો બનેલા ભીખુભાઇ તેરૈયા ચાર બહેનના એકના એક વચેટ ભાઇ અને પરિવારનો આધાર સ્તંભ હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રી પરિણીત છે. અંતિમવિધી માટે મૃતદેહને વતન જસદણ લઇ જવામાં આવ્યો હતો.

(2:33 pm IST)