રાજકોટ
News of Tuesday, 16th July 2019

કુંવારા એએસઆઇ ખુશ્બૂ અને પરણેલા પોલીસમેન રવિરાજસિંહના નવ મહિનાના પ્રેમનો અકલ્પનીય, અતિ કરૂણ અને પરિવારોને વેરણ-છેરણ કરી નાંખનારો અંત

એફએસએલનો રિપોર્ટ- લેડી એએસઆઇએ પ્રેમી પોલીસમેનને ગોળીએ દીધા બાદ પોતાના લમણે ભડાકો કરી મોત મેળવી લીધુ'તું : રોજ રાતે રવિરાજસિંહ ખુશ્બૂના ફલેટે આવતાં: રાત્રે અઢી-ત્રણે પોતાના ઘરે જતાં: બુધવારની રાતે પણ આવુ જ કંઇક થયું...પણ ખુશ્બૂએ રવિરાજસિંહને ઘરે જવાની ના પાડતાં વાત હત્યા-આત્મહત્યા સુધી પહોંચ્યાનું તારણઃ ઘટનાની રાતે રવિરાજસિંહે પત્નિના ફોન રિસિવ કરવાનું ટાળ્યું...કારણ કે બંને સાથે હોય ત્યારે રવિરાજસિંહના પત્નિના ફોન આવે તે ખુશ્બૂને જરા પણ ગમતું નહિ, તેણીને અત્યંત ક્રોધ ચડી જતો!

એએસઆઇ ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના અપમૃત્યુ કેસમાં શું બન્યું હતું? કઇ રીતે મૃત્યુ થયા હતાં...? તેની માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા સાથે પી.આઇ. વી.એસ. વણઝારા, પી.આઇ. એચ. એમ. ગઢવી અને બીજો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

તસ્વીર...ઘણું કહી જાય છે... : લેડી એએસઆઇ ખુશ્બૂ કાનાબાર જે અપિરિણીત હતાં અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજા જે પરિણીત હતાં. આ બંનેની પ્રેમકહાનીનો નવ મહિનામાં અત્યંત કરૂણ અંત આવ્યો હતો. થોડા દિવસો પહેલા બંનેએ સાથે ખેંચાવેલી આ તસ્વીર બંને વચ્ચેના રિલેશનની ગવાહી આપે છે.

રાજકોટ તા. ૧૬: પાચ દિવસની તપાસને અંતે એફએસએલ, બેલેસ્ટીક નિષ્ણાંતોના રિપોર્ટ બાદ ખુબ ચર્ચા જગાવનારા એએસઆઇ અને પોલીસમેનના અપમૃત્યુના કિસ્સામાં એ સ્પષ્ટ થયું છે કે મહિલા એએસઆઇએ પ્રેમી પોલીસમેનને ગોળીએ દીધા બાદ પોતાના લમણામાં ગોળી ધરબી મોત મેળવી લીધું હતું. પોલીસ અધિકારીઓએ કરેલા ખુલાશા સાથે આ ઘટનાની ભીતરમાં જોઇએ તો એ સ્પષ્ટ થાય છે કે આવા પ્રેમસંબંધોનો અંત કદીપણ ઇચ્છીત કે બે પાત્રોને ખુશ કરે તેવો હોતો નથી. એવું કહેવાય છે કે પ્રેમ ગમે ત્યારે અને ગમે તેની સાથે થઇ જાય...પરંતુ બંને પાત્રો કુંવારા હોય તો આ પ્રેમકહાનીને અુમક અવરોધોનો સામનો કર્યા બાદ કદાચ ઇચ્છીત મંજીલ પણ મળી શકે...પરંતુ બેમાંથી એક પાત્ર પરિણીત હોય અને બંને વચ્ચે પ્રેમ થઇ જાય તો આવી પ્રેમ કહાનીનો અંત મોટે ભાગે અતિ દુઃખદાયક, તેમજ પરિવારોના માળા પીંખી નાંખે તેવો જ આવતો હોય છે....શહેરના યુનિવર્સિટી (ગાંધીગ્રામ-૨) પોલીસ મથકમાં ફરજ બજાવતાં કુંવારા મહિલા એએસઆઇ ખુશ્બૂ રાજશેભાઇ કાનાબાર અને ડી. સ્ટાફના પરણેલા કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા વચ્ચેની પ્રેમકહાનીનો કંઇક આવો જ અતિ કરૂણ, અકલ્પનિય અને પરિવારજનોની લાગણીઓને છીન્નભીન્ન કરી નાંખનારો અંત આવ્યો છે. નવ મહિનામાં આ બંનેનો પ્રેમ એ હદ સુધી પહોંચી ગયો હતો કે આ બંને પાત્રો એક બીજાને હબ્બી (હસબન્ડ) અને લવ-વાઇફથી બોલાવવા માંડ્યા હતાં. પરંતુ   છેલ્લે આ પ્રેમકહાનીનો અંત બંનેના મોત સાથે આવ્યો હતો.

ગુરૂવારે સવારે નવા ૧૫૦ રીંગ રોડ પર આવેલા યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબારના પંડિત દિનદયાળ નગરના ફલેટમાંથી ખુશ્બૂ કાનાબાર તથા આ પોલીસ મથકના જ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીએથી વિંધાયેલા લોહીલુહાણ મૃતદેહ મળતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી. અલગ-અલગ પ્રકારે અનેક અટકળો વહેતી થઇ હતી. રવિરાજસિંહે ખુશ્બૂને ગોળી મારીને આપઘાત કરી લીધાનું તારણ કાઢવામાં આવ્યું હતું. પરંતુ પાંચ દિવસ સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફોરેન્સિક નિષ્ણાંતો, બેલેસ્ટીક નિષ્ણાંતોની મદદથી કરેલી તપાસને અંતે ગત રાત્રે પોલીસે એફએસએલના રિપોર્ટને આધારે એ સ્પષ્ટ કર્યુ છે કે ખુશ્બૂના સોલ્ડર (ખભા) પરથી ગન પાઉડર મળ્યો હતો. તેણીએ દોઢેક ફૂટ દુરથી રવિરાજસિંહ પર ફાયરીંગ કરી તેની હત્યા કર્યા બાદ પોતાના લમણે ફાયરીંગ કરી આપઘાત કરી લીધાનું સ્પષ્ટ થયું છે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી.એસ. વણઝારા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ રાત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બંનેની લાશ જ્યાં હતી એ રૂમમાં ઇન્કવેસ્ટ પંચનામા વખતે બંનેના હેન્ડવોશના નમુના લેવાયા હતાં. તેમજ બંનેના કપડા કબ્જે કરી એફએસએલમાં તપાસણી માટે મોકલાયા હમતાં. બનાવ વાળી જગ્યાએ આસપાસના લોકોના નિવેદન લેવાયા હતાં. તેજમ પ્રથમ દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારાના નિવેદનો નોંધાયા હતાં. ફલેટના રહેવાસીઓના તથા ફલેટમાં સોૈ પહેલા પહોંચેલા વ્યકિતના નિવેદનો પણ નોંધાયા હતાં. ૧૦૮ના ઇએમટી ડોકટરનું નિવેદન પણ નોંધાયું હતું. જરૂરી સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ ફોનની ડિટેઇલ મેળવવામાં આવી હતી.

આ તમામ તપાસને અંતે એ બાબત સ્પષ્ટ થઇ છે રવિરાજસિંહના માથામાં જે ગોળી વાગી હતી તે ડિસ્ટન્સ ફાયરીંગ છે તથા મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબારને જે ગોળી વાગી હતી તે તદ્દન નજીકથી વાગી હતી. મહિલા એએસઆઇના શરીર પરથી ગન પાવડર મળ્યો છે. તે ઉપરથી એએસઆઇ  દ્વારા બંને ફાયરીંગ કરવામાં આવ્યાનું પુરાવાઓને આધારે ફલીત થયું છે.

પોલીસે એએસઆઇ વિવેક કુછડીયા (કે જે પોતાની સર્વિસ રિવોલ્વર ઘટનાની આગલી રાતે ખુશ્બૂ કાનાબારના ઘરે ભુલી ગયા હતાં)ની પુછતાછમાં એવું બહાર આવ્યું હતું કે ઘટનાની આગલી રાતે પોતે, પત્નિ ખુશ્બૂના ફલેટ પર હતાં અને રવિરાજસિંહ પણ હતાં. ચારેયએ સાથે સેમિ ફાઇનલ મેચ નિહાળ્યા બાદ જમવા ગયા હતાં. એ પછી વિવેક અને તેના પત્નિને રવિરાજસિંહ તથા ખુશ્બૂ કોટેચા ચોક સુધી મુકી પરત ફલેટ પર આવ્યા હતાં.

રવિરાજસિંહ અને ખુશ્બૂ વચ્ચે નવેક મહિનાથી પ્રેમ પાંગર્યો હતો અને આ પ્રેમ એટલી હદે પહોંચી ગયો હતો કે બંને એક બીજા સાથે પતિ-પત્નિની જેમ વર્તવા માંડ્યા હતાં. રવિરાજસિંહ રોજ રાતે નવ સાડાનવે ખુશ્બૂના ફલેટ પર આવી જતાં હતાં અને મોડી રાતે અઢી ત્રણ વાગ્યે પોતાના મવડી હેડકવાર્ટરના ઘરે જતાં હતાં. આ બંને તથા વિવેક કુછડીયા અને તેના પત્નિ ઘટનાના પંદરેક દિવસ પહેલા મુંબઇ તથા માથેરાન ફરવા પણ ગયા હતાં. તે વખતે રવિરાજસિંહના ફોનમાં તેના પત્નિનો ફોન આવતાં ખુશ્બૂને ખુબ ગુસ્સો આવ્યો હતો અને ઝઘડો થયો હતો. એ વખતે બંનેને વિવેક કુછડીયાએ શાંત પાડ્યા હતાં.

આમ ખુશ્બૂને એ જરાપણ ગમતું નહિ કે જ્યારે રવિરાજસિંહ પોતાની સાથે હોય ત્યારે તેના પત્નિનો ફોન આવે. બનાવની રાતે પણ નવેક વાગ્યે રવિરાજસિંહને પત્નિએ ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી રાત્રે સવા ત્રણ અને સવારે છ વાગ્યે ફરીથી ફોન જોડ્યો હતો. પરંતુ ફોન રિસીવ થયા નહોતાં. છેલ્લે પત્નિએ રવિરાજસિંહ ફોન રિસીવ કરતા ન હોવાની પોતાના સસરા અને ભાઇઓને જાણ કરતાં શોધખોળ થતાં ફલેટમાંથી રવિરાજસિંહ અને ખુશ્બૂના મૃતદેહ મળ્યા હતાં. એવું અનુમાન, તારણ છે કે નિત્યક્રમ મુજબ રાત્રે રવિરાજસિંહ પોતાના ઘરે જવાની તૈયારીમાં હતાં ત્યારે ખુશ્બૂએ ઘરે જવાની ના પાડી હશે અને એ કારણે ઝઘડો થતાં તેણીએ આવેશમાં આવી ગોળી ધરબી દીધી હશે. ત્યારબાદ તેના ખોળામાં માથુ રાખી પોતાના લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હશે.

૧૦૮ના તબિબ પહોંચ્યા ત્યારે રવિરાજસિંહના ખોળામાં ખુશ્બૂનું માથુ હતું અને પિસ્તોલ પણ તેણીના હાથમાં હતી. બંને જીવીત છે કે કેમ? તે જોવા બંનેના દેહ ખસેડાયા હતાં. આ નિવેદન ૧૦૮ના તબિબે પોલીસને આપ્યું છે. ડીસીપી શ્રી જાડેજાએ કહ્યું હતું કે રવિરાજસિંહના હાથ નીચે તરફ વળેલા હતાં અને ખુશ્બૂના હાથ રવિરાજસિંહના ખભ્ભા પર હતાં. ખુશ્બૂએ દૂરથી ફાયરીંગ કરતાં રવિરાજસિંહના ડાબા લમણામાં ગોળી ઘુસી હતી અને એ કારણે એન્ટ્રી હોલ ૧.૫ સેમી જેવો હતો. જ્યારે જમણી બાજુથી ગોળી નીકળી એ હોલ ૧.૩ સેમીનો હતો. બીજી તરફ ખુશ્બૂએ જમણા લમણે પિસ્તોલ રાખી ફાયરીંગ કરતાં તે હોલ ૪.૫ સેમી હતો. આ ગોળી માથાના પાછળના ભાગેથી નકળી હતી અને ત્યાં ૩ સેમીનો હોલ હતો.

આમ પોલીસે એએસઆઇ અને પોલીસમેનના મૃત્યુનું રહસ્ય ખોલી નાંખ્યું છે. અહિ તપાસ હજુ આગળ અલગ-અલગ મુદ્દે યથાવત રહેશે...પણ અહિ એટલુ કહી શકાય કે આવી પ્રેમકહાનીનો અંત મોટે ભાગે અકલ્પનિય, અતિ કરૂણ અને પરિવારોના માળા પીંખી નાંખનારો જ હોય છે!

ખુશ્બૂ કાનાબાર તેના માતા-પિતા-ભાઇનો આધાર સ્તંભ હતાં. અનેક આશા અરમાનો માતા-પિતાને આ દિકરી માટે હતાં. અગાઉ એક દિકરી ગુમાવી ચુકેલા મા-બાપ માટે આ દિકરી અને એ પણ પોલીસમાં એએસઆઇ હોઇ તેના પ્રત્યે ઘણી આશાઓ હતો. તો બીજી તરફ રવિરાજસિંહ પણ પરિણીત હતાં અને એક દિકરીના પિતા હતાં. તેમના પરિવારનો પણ તે આધારસ્તંભ હતાં. અનેક અરમાનો તેના થકી પણ તેના સ્વજનોએ સેવ્યા હતાં. પરંતુ આ બંનેની પ્રેમ કહાનીનો બંનેના મોત સાથે અતિ કરૂણ અંત આવતાં પરિવારોના માળા વેરણ-છેરણ થઇ ગયા છે.

આ ઘટનામાં કહી શકાય કે...

પ્રેમ નહિ, પ્રેમીઓ આંધળા!!

. એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ગમે ત્યારે ગમે તેની સાથે પ્રેમ થઇ જતો હોય છે. પરંતુ આ ઘટનામાં એમ કહી શકાય કે પ્રેમ નહિ, પ્રેમીઓ આંધળા હોય છે!...એએસઆઇ ખૂશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચે નવ મહિનાથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બંને એક જ પોલીસ મથકમાં હોઇ કયારે કેવી રીતે નજીક આવી ગયા તે બંનેને ખબર ન રહી. પરંતુ રવિરાજસિંહ પરણેલા અને એક દિકરીના પિતા હતાં છતાં તેઓ પોતાની જાતને કુંવારા એએસઆઇ ખુશ્બૂ સાથે પ્રેમમાં પડતાં રોકી ન શકયા. તો બીજી તરફ ખુશ્બૂ પોતે પણ રવિરાજસિંહ કરતાં નોકરીમાં ઉંચો હોદ્દો ધરાવતાં હતાં અને સમજદાર હતાં. તેમને ખબર હતી કે રવિરાજસિંહ પરણેલા છે, તેમની સાથેના પ્રેમની કહાનીને ઇચ્છીત મંજીલ નહિ મળી શકે...આમ છતાં તે આગળ વધ્યા અને આ પ્રેમ કહાનીનો બંનેના મોત સાથે અત્યંત કરૂણ અંત આવ્યો.  પ્રેમ...આકર્ષણની શરૂઆત થઇ ત્યારે જ બંનેની આંખ ઉઘડી ગઇ હોત તો બબ્બે પરિવારોના માળા પિંખાયા ન હોત.

(3:30 pm IST)