રાજકોટ
News of Saturday, 16th June 2018

સ્વ. મહિપતસિંહ જાડેજા (ઘંટેશ્વર) સ્મૃતિ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ક્ષત્રિય સમાજની ૪૨ ટીમોની ટક્કર જામી

ઘંટેશ્વર પાર્ક અને ગ્રીનલીફ કલબના પ્રણેતા ખોડુભા જાડેજા દ્વારા પિતાની યાદમાં જાકમજોળ આયોજન

રાજકોટ, તા. ૧૬ :. ઘંટેશ્વર પાર્ક અને ગ્રીનલીફ કલબના પ્રણેતા અને યુવા ક્ષત્રિય અગ્રણી ખોડુભા મહિપતસિંહજી જાડેજા દ્વારા રોયલ રાજપૂતાના ગ્રુપના નેજા તળે પોતાના પિતાશ્રીની યાદમાં સ્વ. મહિપતસિંહજી એમ. જાડેજા સ્મૃતિ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન છેલ્લા ૧૦ દિવસથી પી.ડી. માલવિયા કોલેજના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેન્ટમાં ક્ષત્રિય સમાજની શહેર અને બહારગામની ૪૨ ટીમો વચ્ચે બરાબરીનો ક્રિકેટ જંગ જામી રહ્યો છે. જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, પડવલા, વાંકાનેર, કચ્છથી ટીમો રમવા આવી છે. બહારગામની ટીમો માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા મુખ્ય સ્પોન્સર ખોડુભા જાડેજા દ્વારા કરવામાં આવી છે.

દરરોજ વિજેતા થતી અને રનર્સ અપ થતી ટીમોને સ્મૃતિ ચિન્હ અને મેન ઓફ ધી મેચના પુરસ્કાર આપવામાં આવે છે. ચેમ્પીયન અને રનર્સ અપ ટીમને રોકડ પુરસ્કાર, ચેમ્પીયન ટ્રોફી, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર સહિત અનેક પ્રોત્સાહક ઈનામો આપવામાં આવી રહ્યા છે. ૮ લાઈટીંગ ટાવરની મદદથી ટી-ટ્વેન્ટી કપ જેવો માહોલ સાઈડ સ્ક્રીન સાથે ઉભો કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટને હજારો લોકો માણી રહ્યા છે. ગઈકાલે રાત્રે આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ રમાયો હતો. રજવાડી ઘોડા સાથે બેન્ડ અને ફાયર શો સાથે ટીમોની એન્ટ્રી અને ત્યાર બાદ રાષ્ટ્રગીત સાથે ફાઈનલ મેચ રમાઈ હતી. પ્રથમ તસ્વીરમાં સ્વ. મહિપતસિંહજી જાડેજા કે જેમની સ્મૃતિમાં ટૂર્નામેન્ટ રમાઈ રહી છે તેમની ફાઈલ તસ્વીર, બીજી તસ્વીરમાં તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા દ્વારા સેમીફાઈનલની વિજેતા ટીમને ટ્રોફી એનાયત થતી નજરે પડે છે. અંતિમ તસ્વીરમાં મુખ્ય આયોજક ખોડુભા જાડેજા (ઘંટેશ્વર) ક્રિકેટ ટીમના ખેલાડી સાથે નજરે પડે છે.(૨-૨૦)

(4:29 pm IST)