રાજકોટ
News of Saturday, 16th June 2018

ખેત તલાવડી કૌભાંડમાં જમીન વિકાસ નીગમના ફિલ્ડ આસી.ગોપાલ કોટડીયાની ધરપકડઃ એસીબી દ્વારા તપાસનો ધમધમાટ

પકડાયેલ ગોપાલ કોટડીયાએ સ્થળ વિઝીટ કર્યા વગર જ બીલ મંજુર કરી દીધા'તાઃ અન્ય ૬ ની શોધખોળ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા અને જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે કાગળ પર જ ૧ર ખેત તલાવડીઓ બનાવી દેવાયાના કૌભાંડમાં એસીબીએ ગઇકાલે જમીન વિકાસ નિગમના ૭ કર્મચારીઓ સામે ગુન્હો દાખલ કર્યા બાદ મોડી રાત્રે જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસીસ્ટન્ટ ગોપાલ કોટડીયાને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જમીન વિકાસ નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવાતી ખેત તલાવડીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ બાદ એસીબીએ કોટડા સાંગાણીના નાનામાંડવા ગામે ૧ર તલાવડી અને જામકંડોરણાના બોરીયા ગામે એક તલાવડી ફકત કાગળ ઉપર જ બની હોવાનું શોધી કાઢી આ પ્રકરણમાં એસીબીએ જમીન વિકાસ નિગમના ગોપાલ રણછોડ કોટડીયા, ઇશ્વર કરશન પટેલ, સુરેશ પોપટ વૈષ્ણવી, મગન ખોડા પાદરીયા, મગન પરસોતમ વેકરીયા, જસવંતકુમરાર મથુરદાસ પટેલ, અને દિનેશ ભીખા સામે ગુન્હો ોદાખલ કયો

દરમિયાન આ કૌભાંડમાં સામેલ જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસી. ગોપાલ રણછોડભાઇ કોટડીયા (રહે. પુનમ સોસાયટી, પટેલ બોર્ડીગ પાસે  મવડી પ્લોટ) ને ગત રાત્રે એસીબીના પીઆઇ સી.જે.સુરેજા તથા સ્ટાફે દબોચી લઇ ધરપકડ કરી હતી. પકડાયેલ ફિલ્મડ આસી. ગોપાલ કોટડીયાએ જે ગામમાં કાગળ ઉપર ખેત તલાવડી બની હતી તે સ્થળની મુલાકાત લીધા વગર કે જોયા વગર જ બીલો મંજુર  કરી દીધા હતા.

પકડાયેલ ગોપાલ કોટડીયાને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. તેમજ આ કૌમાંડમાં સામેલ જમીન વિકાસ નિગમના અન્ય ૬ કર્મચારીઓની શોધખોળ હાથ ધરાઇ છે. વધુ તપાસ એસીબીના પીઆઇ સી.જે.સુરેજા ચલાવી રહયા છે. (૪.૧૪)

(4:11 pm IST)