રાજકોટ
News of Monday, 16th May 2022

વોર્ડ નં. ૩ના મનહરપર-માધાપર વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવઃ ગાયત્રીબા

આ વોર્ડના છેવાડાના વિસ્‍તારોમાં રોડ, પાણી, ગટર, પાર્કિંગ, કોમ્‍યુનીટી હોલ સહિતની સુવિધા તાકીદે આપવા પૂર્વ વિપક્ષી નેતા દ્વારા મુખ્‍યમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. શહેરના વોર્ડ નં. ૩ છેવાડાના મનહરપુર, માધાપર સહિતના વિસ્‍તારોમાં રોડ-રસ્‍તા, પાણી, લાઇટ સહિતની સમસ્‍યાનો તાત્‍કાલીક ઉકેલ લાવવા પૂર્વ વિપક્ષ નેતા ગાયત્રીબા દ્વારા મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, વોર્ડ નં. ૩ ની છેવાડાના મનહરપુર, માધાપર વિસ્‍તારની ટી. પી. સ્‍કીમો તાત્‍કાલીક ફાઇનલ કરી ટી. પી. ના નિયમો મુજબની સુવિધાઓ રોડ, રસ્‍તા, ડ્રેનેજ, પ્‍લે ગ્રાઉન્‍ડ, વાંચનાલય, સ્‍વીમીંગ પુલ, કોમ્‍યુનીટી હોલ, સીનીયર સીટીઝન પાર્ક, ફાયર સ્‍ટેશન, બગીચાઓ, પાર્કીંગ માટેની સુવિધાઓ સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવા માટે ગાયત્રીબાએ વધુમાં જણાવ્‍યું હતું કે, મનહરપુર, માધાપર વિસ્‍તારમાં આવતી છેવાડાની સોસાયટીઓ ઓમકાર સોસા., અયોધ્‍યા, સિધ્‍ધી વિનાયક, ગાયત્રી,  રાધાપાર્ક-૧, અને ર, કૃષ્‍ણનગર, પરાસર, શીવરંજની, ગોલ્‍ડન પોર્ટીકો, ગાંધી સોસાયટી, સત્‍યમ-શીવમ-સુંદરમ, શેઠનગર, સહિતનો મોટાભાગની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્‍યા ઘણી જ વિકટ છે. હાલ આખો વિસ્‍તાર ટેન્‍કર આધારીત છે ત્‍યારે તાત્‍કાલીક ધોરણે પાણીના નવા ટાંકા, ફીલ્‍ટર પ્‍લાન્‍ટ, પાણી સપ્‍લાય માટેનું પાયાનું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર કરી પર્યાપ્ત માત્રામાં માથા દીઠ પાણી પુરૂં પાડવા માટેની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે અને ઘરે ઘરે પાણીના કનેકશનોના જોડાણો  આપવામાં આવે. તેમજ લાઇટ, આરોગ્‍ય કેન્‍દ્ર સહિતની સુવિધા તાત્‍કાલીક આપવા માંગ કરી  છે.

 

(7:04 pm IST)