કાલાવડના શીશાંગ પાસે 'હીટ એન્ડ રન': અજાણી ફોરવ્હીલે બાઇકને ઉલાળતા જીઇબીના આસી. કલાર્કનું મોત
મહેશભાઇ સોરાણી મોટાવડાળા બીલ બનાવવા જતા'તાઃ પાંચ બહેનોના એકના એક ભાઇના મોતથી પરિવારમાં આક્રંદ
રાજકોટ તા. ૧૬: કાલાવડ નજીક શીશાંગ ગામ પાસે 'હીટ એન્ડ રન'ની ઘટનામાં અજાણી ફોરવ્હીલે બાઇકને ઉલાળતા જીઇબીના આસીસ્ટન્ટ કલાર્કનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ જસદણના રાણીંગપર ગામમાં રહેતા અને જીઇબીમાં આસીસ્ટન્ટ જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેશભાઇ ખોડાભાઇ સોરાણી (ઉ.વ. ર૮) સવારે પોતાનું બાઇક લઇને કાલાવડના મોટા વડાળા ગામે બીલ બનાવવા માટે જતા હતા ત્યારે શીશાંગ ગામ પાસે કોઇ અજાણી ફોર વ્હીલના ચાલકે બાઇકને હડફેટે લેતા મહેશભાઇ ફંટોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મહેશભાઇના પિતા ખેતીકામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી છે. પાંચ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.