રાજકોટ
News of Monday, 16th May 2022

વિરડા વાજડી ગામે વિજચોરી કરી કર્મચારી ઉપર હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીઓને ત્રણ વર્ષની સજા

રાજકોટ,તા. ૧૬: શહેરના કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામે ફીડરમાં ફોલ્ટ હોવાથી રીપેરીંગ માટે ગયેલી વીજ ટીમે ડાયરેકટ લંગર નાખી ચોરી પકડ્યા જેનો ખાર રાખી કર્મચારી પર હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતાં અદાલતે સાત શખ્સોને ત્રણ વર્ષની કેદ અને ત્રણ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ઙ્ગ માસની સજાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ વિરડા વાજડી ગામે ફીડરમાં ફોલ્ટ હોવાથી માધાપર સબ ડીવીઝનના વીજ કર્મચારીઓ રીપેરીંગમાં ગયા હતા ત્યારે રીપેરીંગ દરમિયાનનો ડાયરેકટ લંગર દ્વારા વીજ ચોરી નો વાયર દૂર કરાતા જેનો ખાર રાખી પ્રભાત વિભા ખીમાણીયા ,અરજણ હાજા હુંબલ,જનક કાથડ ખીમાણીયા, ખોડા કુકા મેર, મહેશ ભવાન લાંબડીયા, વિહા ભવાન લાબડીયા અને દિનેશ ખોડા બલદાણીયા એ માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની માલવિયા નગર પોલીસ મથકમાં નાયબ એન્જિનિયર વિપુલભાઈ નારણભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર તરફે એ સરકારી વકીલે લેખિત મુખી દલીલો તેમજ સાક્ષી પંચો તપાસનીસ અને તબીબો ને તપાસી લીધેલી જુબાની તેમજ વિવિધ વડી અદાલતો અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઇ ન્યાયાધીશ એમ. વી. ચૌહાણ તમામ શખ્સોને તકસીરવાન ફેરવી ત્રણ વર્ષની કેદ અને ત્રણ હજારનો દંડ અને દંડ ભરવામાં કસૂર ઠરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કર્યો છે. સરકાર તરફે એ.પી.પી તરીકે પૂજાબેન એસ. જોશી ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:10 pm IST)