રાજકોટ
News of Monday, 16th May 2022

ગોંડલમાં ત્રિદિવસીય ગુરુ સ્મરણોત્સવ તપ મહોત્સવ ઉજવાયો

ગોંડલ ગચ્છ સંસ્થાપક આ.દે.પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.ના ૨૦૨માં સ્વર્ગારોહણના અવસરે : ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘની કમિટી બની કંદમૂળ ફ્રી કમિટી

રાજકોટ,તા. ૧૬: દેશ-વિદેશમાં જિનશાસનની ધજા - પતાકા લહેરાવી રહેલાં ગૌરવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબનો ૨૦૨મા સ્વર્ગારોહણ પુણ્યસ્મૃતિનો અવસર શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ત્રિદિવસીય ગુરુ સ્મરણોત્સવ સ્વરૂપે જપ-તપ-જ્ઞાન-ધ્યાનની અનોખી સાધના - આરાધના સાથે અત્યંત ભકિતભાવે ઉજવવામાં આવ્યો હતો.

શ્રી નવાગઢ સંઘમાં દાદા ગુરુદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ પ્રત્યે શ્રદ્ઘા, ભકિત અને સમર્પણ ભાવની અર્પણતા કરવાં તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ, એવમ્ પૂજય શ્રી મુકત-લીલમ ગુરુણીના સુશિષ્યા તપસ્વી પૂજય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી, પૂજય શ્રી ડોલરબાઈ મહાસતીજી, પૂજય શ્રી અજિતાબાઈ મહાસતીજી આદિ, પૂજય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી, પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી શ્વેતાંશીબાઈ મહાસતીજી, પૂજય શ્રી પરમ મિત્રાજી મહાસતીજી આદિ ઠાણા એવમ શાસનચંદ્રિકા પૂજય શ્રી હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા ગોંડલ ગામના દીકરી એવા પૂજય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયના પૂજય શ્રી ઉષાબાઈ મહાસતીજી તેમજ પૂજય શ્રી જયોત્સનાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદ વિશેષ ભાવો સાથે પધાર્યાં હતાં.

ત્રિદિવસીય આ સ્મરણોત્સવ અંતર્ગત પૂજય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી તેમજ પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજીએ ગાદીપતિ ગુરુદેવ વાણીભૂષણ પૂજય શ્રી ગિરીશમુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહધરા પૂજય શ્રી ઉષાબાઈ મહાસતીજીને ગુણાંજલી અર્પણ કરવા સાથે દાદા ગુરુદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગુણ સમૃદ્ઘ જીવનનું પૂજય શ્રી સ્મિતાબાઈ મહાસતીજીએ સુંદર ભાવો સાથે વર્ણન કરતાં ઉપસ્થિત સહુ ગુરુ તત્ત્વ પ્રત્યે અહોભાવિત બન્યાં હતાં. ઉપરાંતમાં, ડો. પૂજય શ્રી ડોલરબાઈ મહાસતીજી તેમજ પૂજય શ્રી અજિતાબાઇ મહાસતીજીએ પૂજય શ્રી આચાર્યદેવની એકાવતારી પદની સંયમ સાધના સાથે ગોંડલને એક તીર્થભૂમિ સ્વરૂપની ઓળખ આપીને સહુને પ્રેરિત કર્યાં હતાં. ત્રણ દિવસ સુધી આયોજિત કરવામાં આવેલી જ્ઞાન શિબિર અંતર્ગત પૂજય શ્રી હેમાંશીબાઈ મહાસતીજી તેમજ પૂજય શ્રી શ્વેતાંશીબાઈ મહાસતીજીએ વિવિધ સ્પર્ધાઓ દ્વારા ભાવિકોની જ્ઞાનવૃદ્ઘિ કરાવી હતી.

પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ પૂજય સાધ્વીવૃંદના શ્રીસંઘમાં પદાર્પણ પ્રત્યે અહોભાવ વ્યકત કરી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ આ અવસરે કંદમૂળ ત્યાગની પ્રતિજ્ઞા કરતાં સંઘની કમિટી કંદમૂળ ફ્રી કમિટી બની.

(3:07 pm IST)