રાજકોટ
News of Thursday, 16th May 2019

'કિશાન મોલ'નું રવિવારે લોકાર્પણ

કિશાનો ગાય આધારીત કૃષિ કરતા થાય તેવા હેતુથી ગૌ પ્રોડકટસના

રાજકોટ તા. ૧૬ : ખેડુતો ગાય આધારીત કૃષિ તરફ વળે અને લોકો પણ ગાય આધારીત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરતા થયા તેવા હેતુથી રાજકોટમાં 'કિશાન મોલ' શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે વિગતો વર્ણવતા ગૌપ્રેમી આગેવાનોએ જણાવેલ આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર અને ગાય આધારીત ખેતીના સંશોધક પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરના પ્રયાસોને વેગ આપવા કિશાન ભાઇઓને ગાય આધારીત કૃષિ તરફ વાળવા રાજકોટમાં ગૌ આધારીત વિવિધ ઉત્પાદનોનો 'કિશાન મોલ' શરૂ કરવામાં આવેલ છે.

યુનિવર્સિટી રોડ, જલારામ - ર, શેરી નં.૩, ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં શરૂ થઇ રહેલ આ કિશાન મોલનું ઉદ્દઘાટન તા. ૧૯ ના રવિવારે સવારે ૮ વાગ્યે કામધેનુ ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાના હસ્તે કરાશે.

જેમાં જે ખેડુતો ગાય આધારીત ખેતી કરતા હોય તેમના ઉત્પાદનો જેમ કે અનાજ, ફ્રુટ, શાકભાજી, કઠોળ, મસાલા વગેરેનું નહી નફો નહી નુકશાનના ધોરણે વેંચાણ કરાશે. અહીં જે ઉત્પાદનો જે ખેડુતના હશે તેમના નામના લેબલ સાથે જ વેચાણમાં મુકાશે.

માત્રને માત્ર ગાય આધારીત ખેતીને પ્રોત્સાહન આપવા આ મોલ શરૂ કરાયો છે. જેથી સમયાંતરે મોલની ટીમ જે તે ગામોની અચાનક વિઝીટ કરી ખરેખર ગાય આધારીત ઉત્પાદન થાય છે કે કેમ ? તેની તપાસ પણ કરતી રહેશે. ગાય આધારીત ઉત્પાદનના વેંચાણના આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા ગૌપ્રમી ભરતભાઇ પરસાણા, કિશાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, સહજાનંદ ગૌશાળાના કાંતિભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતીના હીમાયતી શાંતિભાઇ પટેલ, આર્ટ ઓફ લીવીંગના ટીચર વસંતભાઇ ખાંટ, શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠકકર, કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઇ પટેલ, ગૌપ્રેમી ભરતભાઇ સુરેજા, નિવૃત્ત એગ્રી. ઓફીસર નાનુભાઇ ડઢાણીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભરતભાઇ પરસાણા, કાંન્તીભાઇ પટેલ, શાંતિભાઇ પટેલ, વસંતભાઇ ખાંટ, ભરતભાઇ સુરેજા, નાનુભાઇ ડઢાણીયા, મનોજભાઇ ડોબરીયા, ભાવેશભાઇ રૈયાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)