રાજકોટ
News of Thursday, 16th May 2019

અતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયોઃ ધરપકડ

ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે કામ કરતાં વિશ્વનગરના બ્રાહ્મણ શખ્સે ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં ગ્રાહકોની વિમા પ્રિમીયમની રકમની ઉઘરાણી કર્યા બાદ જમા જ ન કરાવીઃ કંપનીના સીઇઓ સમર્થ ચાંદ્રાની એ-ડિવીઝનમાં ફરિયાદ બાદ આરોપી સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: ટાગોર માર્ગ પર આવેલા અતુલ મોટર્સ શો રૂમમાં ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે નોકરી કરતો વિશ્વનનગરમાં રહેતો બ્રાહ્મણ શખ્સ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન જુદા-જુદા ૨૨૫ ગ્રાહકો પાસેથી વિમા પ્રિમિયમ માટે ઉઘરાવાયેલા રૂ. ૧૯,૬૦,૫૯૯ કંપનીમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં ચાંઉ કરી જતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરી આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.બનાવ સંદર્ભે પોલીસે એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટી બરસાના એપાર્ટમેન્ટ રોયલ ઓરચીડ ફલટ નં. ૪૦૨માં રહેતાં અને અતુલ મોટર્સ પ્રા.લિ.ના સીઇઓ સમર્થ અતુલભાઇ ચાંદ્રા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી તેની કંપનીમાં નોકરી કરતાં પાર્થ રજનીકાંત ઠાકર (રહે. મહાદેવ, વિશ્વનગર-૯, પ૦ ફુટ ખીજડાવાળો રોડ) સામે આઇપીસી ૪૦૬ મુજબ ગુનો નોંધ્યો છે.

સમર્થ ચાંદ્રાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે ટાગોર રોડ પરની અમારી અતુલ મોટર્સ કંપની મારૂતિ મોટર્સના વાહનોની લે-વેંચ અંગેની એજન્સી ધરાવે છે. અમારી કંપની મારૂતિ મોટર્સના વાહનોનું વેંચાણ કરે છે તેમજ મારૂતિ કંપનીની વાહનોના વિમા અંગેની અલગ-અલગ વિમા કંપનીની ડિલરશીપ અમારી કંપની પાસે છે. જે ગ્રાહકોને વાહન વેંચવામાં આવે છે તે ગ્રાહકો પાસેથી વિમાની રકમ સ્વીકારી અતુલ મોટર્સમાં જમા કરાવવાનું  કામ પાર્થ રજનીકાંત ઠાકરને સોંપાયું હતું. તે અમારી કંપનીમાં ઇન્સ્યુરન્સ એકઝીકયુટિવ તરીકે સ્વેચ્છાએ લેખિત બોન્ડ આપીને જોડાયેલ હતાં.

તેણે વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીમાં વિમા પ્રિમિયમની જેટલી રકમ જે તે વાહન માલિકો પાસેથી ઉઘરાવી હતી તે નિયમ મુજબ કંપનીમાં જમા કરાવવાની હતી. પરંતુ  પાર્થએ કુલ ૨૨૫ ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી વિમાની રકમ રૂ. ૧૯,૬૦,૫૯૯ જમા ન કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાંખી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ બાબતની જાણ થતાં તેને અવાર-નવાર રકમ જમા કરાવવા કહેવાયું હતું. પરંતુ રકમ ભરવામાં નિષ્ફળ થતાં કંપની છોડી જતો રહેલ છે. પાર્થ તા. ૧-૪-૨૦૧૬ થી ૩૧-૧૨-૨૦૧૮ સુધી અમારી કંપનીમાં ઇન્સ્યુરન્સ શાખામાં નોકરી પર હતો. એ દરમ્યિાન તેણે આ વિશ્વાસઘાત કર્યો છે.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં એએસઆઇ ડી. બી. ખેરએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે આરોપી પાર્થ ઠાકરની ધરપકડ કરી છે. પ્રાથમિક પુછતાછમાં તેણે એવું કબુલ્યું છે કે માતાને કિડનીની બિમારી હોઇ તેની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી ઉચાપત કરી હતી. તેમજ પોતાના મોજશોખ પાછળ પણ અમુક રકમ વાપરી નાંખી હતી.

(3:47 pm IST)