રાજકોટ
News of Thursday, 16th May 2019

અકસ્માત મૃત્યુના કેસમાં છ લાખનું વળતર મંજુરઃ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૧૬: મોરબી મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રીબ્યુનલના ચુકાદાને મોડીફાઇડ કરી અરજદારને વળતરની કુલ રકમ રૂ.૬,૧૦,૦૦૦/ મંજુર કરતો ગુજરાત હાઇકોર્ટ ચુકાદો આપેલ હતો.

 

આ કેસની હકિકત એવી છે કે તા.પ-૩-૧૯૯૩ના રોજ ગુજરનાર ધરમશીભાઇ ત્રિકુભાઇ રહેવાસી મોરબી પોતાનું ટ્રેકટર લઇને રાજકોટ મોરબી હાઇવે પર જઇ રહ્યા હતા ત્યારે, ધ્રુવનગર પાસે, રાત્રીના સાડાનવ વાગ્યે સામેથી એસ.ટી. બસ નં.જી.જે૧ઝેડ ૨૪૭૬ના ડ્રાઇવર પોતાની બસ ફુલ સ્પીડે અને બેદરકારીથી ચલાવી, ટ્રેકટરને હડફેટે લેતા, ઉપરોકત વાહન અકસ્માતમાં ટ્રેકટરના માલિક અને માલીક ધરમશીભાઇ ત્રિકુભાઇનું ઘટનાસ્થળે અવસાન થયેલું. આથી ગુજરનારના વારસો લાડુબેન ધરમશીભાઇ અને તેણીના સગીર પુત્રોએ વળતરની રકમ રૂ.૬,૦૦,૦૦૦/ મેળવવા મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ-મોરબી સમક્ષ અરજી કરેલી.

ઉપરોકત વળતર અરજી ચાલી જતાં મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ મોરબીએ ૨૦૦૮માં વળતરની કુલ રકમ રૂ.૩,૮૨,૦૦૦/ ૭.૫%ના વ્યાજ સાથે મંજુર કરેલી. જેની સામે અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

સીનીયર કાઉન્સીલ શ્રી.પી.આર.દેસાઇની ઉપરોકત રજુઆતો ધ્યાનમાં લઇ નામ.ગુજરાત હાઇકોર્ટે વિસ્તૃત ચુકાદામાં વળતરની ચુકવાયેલ રકમ ઉપરાંત અરજદારને વળતરની વધુ રકમ રૂ.૨,૨૮,૦૦૦/ અરજીની તારીખથી એટલે કે ૧૯૯૩થી ૭.૫% વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે. આ રીતે વળતરની કુલ રકમ રૂ.૬,૧૦,૦૦૦/ મંજુર થયેલ છે.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરનાર ધરમશીભાઇ ત્રિકુભાઇના વારસો લાડુબેન ધરમશીભાઇ રહેવાસી મોરબી તરફે સીનીયર એડવોકેટ પી.આર.દેસાઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રોકાયેલ હતા. મોરબી મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ નિલેષ પંડયા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(3:27 pm IST)