રાજકોટ
News of Wednesday, 15th May 2019

લક્ષ્મીકાંત પ્યારેલાલ લાઇવ ઇન કોન્સર્ટ કાર્યક્રમ બંધ રાખવા માંગણીઃ પોલીસ કમિશનરને રજૂઆત

ગોસેલેબ કલબ દ્વારા ૧૮મીએ રેસકોર્ષ મેદાનમાં આયોજન થયું છેઃ વિવિધ કારણો રજૂ કરી રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું વિસ્તૃત આવેદન

રાજકોટ તા. ૧૫: શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ૧૮મીએ ગોસેલેબ કલબ દ્વારા  લક્ષ્મીકાંત પ્યારેલાલ લાઇવ ઇન કોન્સર્ટનું આયોજન કરાયું છે. ત્યારે સલામતી અને તકેદારીના પગલારૂપે આ કાર્યક્રમ બંધ રાખવાની માંગણી સાથે રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

પૂર્વ સાંસદ અને ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે  મેં અગાઉ ૯/૫ના રોજ આપને એક પત્ર આપી રજૂઆત કરી હતી. આમ છતાં કાયક્રમને ચાલુ રાખવાની જાહેરાતો થઇ રહી છે. આ કાર્યક્રમની ટિકીટોનું ઓનલાઇન અને રૂબરૂ વેંચાણ કરી પૈસા ભેગા કરવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ હેતુ સાથેના આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ગોસેલેબ કલબના મેમ્બર્સની નોંધણી કરવાનો છે. કલબની મેમ્બરશીપ ફી એક વર્ષના રૂ. ૧૦ હજાર રખાયા છે. એક ટિકિટના ભાવ રૂ. ૭૦૦, ૧૦૦૦, ૧૫૦૦ અને ૨૦૦૦ રખાયા છે. કાર્યક્રમને સ્પોન્સર કરનાર સંસ્થાઓ પાસેથી પણ આયોજકોએ મોટી રકમો વસુલી લીધી છે.

આ કાર્યક્રમની આશરે ૫૦ હજારથી વધુ ટિકિટોનું વેંચાણ કરવાનો લક્ષ્યાંક રખાયો  છે. આવો મોટો સમુહ રેસકોર્ષમાં ભેગો થતો હોવાને કારણે આસપાસના રહેવાસીઓની શાંતિ ભંગ થવાનો ભય છે. આ કાર્યક્રમને કારણે અવાજ અને હવામાં પ્રદુષણ થવાના સંજોગો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા નાગરિકોને સલામતિ માટે વિમા પોલીસી પણ અપાઇ નથી. શ્રોતાઓ ભગવાન ભરોસે ભેગા થશે. આ કાર્યક્રમને પર્યાવરણ વિભાગની પરવાનગી મળી નથી.  ઉપરાંત સલામતિના આદેશાત્મક પગલાઓ જેમ કે આગ લાગવી, ભાગાદોડી થવી કે મહિલા સુરક્ષાની કોઇ વ્યવસ્થા નથી. રમાબેન માવાણીએ આગળ જણાવ્યું છે કે કાર્યક્રમમાં ધ્વનીયંત્રની માત્રા નિયમ કરતાં વધુ થવાના સંજોગો છે. જેથી આજુબાજુના રહેવાસીઓને ઉંચા અવાજને કારણે બિમારી થવાનો ભય છે. કાર્યક્રમ રાતના ૧ સુધી ચાલવાના સંજોગો છે. જરૂરિયાત મુજબના વિજળી કનેકશનો અને જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. મહિલાઓની સલામતિ જોખમાય તેમ છે. મેમ્બરશીપ અને ટિકિટ વેંચાણમાંથી જીએસટી, ઇન્કમટેકસ અને અન્ય ટેકસ વસુલ કરવા આગોતરી વ્યવસ્થા કરવી જરૂરી છે, કેમ કે આવા કાર્યક્રમો થયા પછી સરકારી ટેકસ વસુલ થતાં નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઇ કાર્યક્રમને મોકુફ રાખવો એ ન્યાયના હિતમાં, જાહેર સલામતિ અને સુખાકારીના હિતમાં છે.

મંજૂરી આપવી કે કેમ? લાયસન્સ બ્રાંચ દ્વારા પ્ર.નગર પોલીસનો અભિપ્રાય મંગાયો

. રમાબેન માવાણીએ કાર્યક્રમને મંજૂરી ન આપવા રજૂઆત કરી છે ત્યારે આ બાબતે શહેર પોલીસની લાયસન્સ બ્રાંચના પી.આઇ. મેડમ શ્રી એસ.આર. પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મંજૂરી આપવી કે કેમ? તે માટેનો અભિપ્રાય મેળવવા અરજીને પ્ર.નગર પોલીસ મથકમાં મોકલી છે. જેનો અભિપ્રાય આવવાનો બાકી છે.

(3:26 pm IST)