રાજકોટ
News of Friday, 16th April 2021

કાલથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં રાજપુત સમાજ સ્વૈચ્છીક લોકડાઉન પાળે

રાજકોટ-જામનગરમાં આવેલા સંસ્થાના મકાનો કોરોના સામેની લડાઇ માટે સરકારને હસ્તગત કરવા ગુજરાત રાજપુત સંઘની તૈયારી

રાજકોટ તા. ૧૬ :.. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ - ગુજરાત પ્રદેશ દ્વારા આવતીકાલ તા. ૧૭ એપ્રિલથી ર૦ એપ્રિલ સુધી કોરોના મહામારી સામેની લડાઇમાં સમગ્ર રાજપૂત સમાજને સ્વૈચ્છીક લોકડાઉન પાડવા અપીલ કરવામાં આવી છે. શહેરો ઉપરાંત ગામડામાં પણ જો કેસ ન હોય તો પણ લોકડાઉનની અમલવારી કરી કુદરતી પ્રકોપ સામેની માનવીય લડાઇમાં જોડાવા જણાવાયુ છે.

સાથો-સાથ રાજકોટ-જામનગર ખાતે આવેલી સંસ્થાની ઇમારતો કોરોનાની લડાઇની કોઇપણ કામગીરી માટે ઉપલબ્ધ બનાવવા સરકારને સંમતી આપતો ઠરાવ આજની મીટીંગમાં કરવામાં આવ્યો હતો. તેમજ CT-SCAN  રીપોર્ટસને કોરોનાની સારવાર માટે માન્ય કરવા અને પ્રવર્તમાન સ્થિતિમાં  જલ્દીથી જલ્દી ઓકસીજન, વેન્ટીલેટર, બેડસ-ઇન્જેકશન સામાન્ય માણસોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સરકારને રજુઆત કરવામાં આવી છે. તેમ રાજપૂત સંઘના પ્રદેશ પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, આંતરરાષ્ટ્રીય યુવા પ્રમુખ પી. ટી. જાડેજા અને પ્રદેશમંત્રી જે. ડી. ગોહીલની યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)