રાજકોટ
News of Friday, 16th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં વધુ છ વ્યકિતએ દમ તોડ્યોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિસ્તારમાંથી બેભાન હાલતમાં લાવવામાં આવેલા વધુ છ વ્યકિતએ દમ તોડી દેતાં તેમના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

જામનગર રોડ શેઠનગર પાસે આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતાં અને કલેકટર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતાં અશોકભાઇ દેવજીભાઇ બારોટ (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતી સોસાયટી-૧માં રહેતાં રશ્મીબેન (રજનીબેન) નિલેષભાઇ કુકરવાડીયા (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના પતિ કુરીયરનું કામ કરે છે.

ત્રીજા બનાવમાં ભગવતીપરા બોરીચા સોસાયટીમાં રહેતાં ગીતાબેન જીલુભાઇ ધોળકીયા (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ચોથા બનાવમાં જામનગર રોડ પુનિતનગર-૨માં રહેતાં મીનાબેન અરૂણભાઇ સોઢા (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

પાંચમા બનાવમાં જામનગર રોડ પર હાથી મસાલા સામે આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં નારણભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૬૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આ અંગે પડધરી પોલીસને જાણ કરાઇ હતી.

છઠ્ઠા બનાવમાં યુનિવર્સિટી રોડ પર હરિનગર-૬માં રહેતાં નયનભાઇ મેવાલાલ કનોજીયા (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(1:01 pm IST)