રાજકોટ
News of Friday, 16th April 2021

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં કોડિનારનો દેવાંગ અને સત્કાર કોવિડ હોસ્પિટલનો કર્મચારી પરેશ પકડાયા

દેવાંગ ૧૦-૧૦ હજારમાં ત્રણ ઇન્જેકશન વેંચી ચુકયો હતોઃ ચોથુ આપવા આવતાં ક્રાઇમ બ્રાંચે ખરીદનારની માહિતીને આધારે વોચ ગોઠવી ગુણાતિતનગર રોડ પરથી દબોચ્યોઃ હોસ્પિટલના તબિબનું પણ નિવેદન લેવાશે

રાજકોટ તા. ૧૬: કોરોનાના દર્દીઓની સારવારમાં વપરાતાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર થતાં હોવાની ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે ગુરૂપ્રસાદ ચોક નજીક ગુણાતીતનગરના રસ્તે વોચ રાખી મુળ વેરાવળ સોમનાથના રામપરાના હાલ દોશી હોસ્પિટલ પાસે ગોકુલધામ સોસાયટી-૨માં રહેતાં અને નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલા દેવાંગ મેણસીભાઇ મેર (ઉ.વ.૨૪)ને રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતાં પકડી લીધો છે. તેમજ તેને આ ઇન્જેકશન આપનાર બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં કામ કરતાં મુળ તાલાલાના ટીખોર ગામના પરેશ અરશીભાઇ વાજા (ઉ.વ.૨૦)ને પણ સકંજામાં લઇ હોસ્પિટલના તબિબને નિવેદન માટે બોલાવવા તજવીજ હાથ ધરી છે. દેવાંગે એક જરૂરીયાતમંદને ૧૦-૧૦ હજાર લેખે ત્રણ ઇન્જેકશન આપ્યા હતાં, ચોથુ ઇન્જેકશન આપવા માટે આવતાં તેને પકડી લેવાયો હતો.

અભયભાઇ ત્રિવેદી નામની વ્યકિતને રેમડેસિવિર ઇન્જેકશનની જરૂર હોઇ તેણે માહિતીને આધારે દેવાંગ મેર નામના શખ્સનો સંપર્ક કરી પરમ દિવસે રૂ. ૧૦ હજાર લેખે એક એવા ૩ રેમડેસિવિર ઇન્જેકશન લીધા હતાં. મુળ કિંમત કરતાં ખુબ જ વધુ ભાવે આ ઇન્જેકશન વેંચી દેવાંગ કાળા બજાર કરતો હોઇ આ અંગે ક્રાઇમ બ્રાંચમાં જાણ કરવામાં આવી હતી. આથી છટકુ ગોઠવી દેવાંગ પાસેથી ગત રાતે ચોથુ ઇન્જેકશન મંગાવાયું હતું. તે આ ઇન્જેકશન આપવા ગુરૂપ્રસાદ ચોક પાસે આવતાં જ વોચમાં રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમે તેને પકડી લીધો હતો.

દેવાંગ પાસેથી રૂ. ૪૮૦૦નું એક રેમડેસિવિર ઇન્જેકશન મળ્યું હતું. તેમજ માહિતી આપનારને અગાઉ ત્રણ ઇન્જેકશન આપ્યા હોઇ તે તથા બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૧૩૯૮નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

તેની વિશેષ પુછતાછ થતાં તેણે હોમકેર તરીકે કામક રતો હોવાનું અને કોડીનારમાં નર્સિંગનો અભ્યાસ કર્યો હોવાનું કહ્યું હતું. તેમજ રેમડેસિવિર ઇન્જેકશન પોતે એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રહી ત્યાં જ કામ કરતાં મુળ ટીખોર (તાલાલા)ના પોતાના મિત્ર પરેશ અરશીભાઇ વાજા પાસેથી લાવ્યાનું કહેતાં પરેશને પણ સકંજામાં લેવાયો હતો. પરેશે આ ઇન્જેકશન ચોરી છુપીથી કાઢી લીધાનું રટણ કર્યુ છે. જો કે ખરેખર કેવી રીતે ઇન્જેકશન તેના હાથમાં આવ્યા? તે જાણવા હોસ્પિટલના તબિબને નિવેદન માટે આજે સાંજે બોલાવાયા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન અને સુચના હેઠળ પીએઅસાઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. પકડાયેલા બંનેએ અગાઉ કોઇને આ રીતે કાળાબજારમાં ઇન્જેકશન વેંચ્યા છે કે કેમ? કયાં-કયાંથી ઇન્જેકશન લીધા? એ સહિતના મુદ્દે વધુ તપાસ કરવામાં આવશે.

(11:12 am IST)