રાજકોટ
News of Friday, 16th April 2021

રાજકોટ મુખ્ય બસ સ્ટોપ ઉપર કોરોનાનો પડાવ : વધુ ૫૪ મુસાફરોને પોઝીટીવ જાહેર : લોકલ બસના ૧૫૦ રૂટ રદ્દ

નાથદ્વારા સિવાયની તમામ આંતરરાજય બસ સેવા રાજકોટથી બંધ કરી દેવાઈ : માત્ર ૩૦% જ ટ્રાફીક : રોજનું ૬ થી ૮ લાખનું આવકમાં ગાબડું

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ એસટી બસ સ્ટોપ ઉપર જાણે કોરોનાનો પડાવ હોય તેમ આજે વધુ ૫૪ મુસાફરોને કોરોના પોઝીટીવ આવતા ભારે ફફડાટ મચી ગયો હતો. કુલ ૧૯૧ મુસાફરોના ટેસ્ટ કરાયા હતા. તેમાંથી ૫૪ને પોઝીટીવ જાહેર કરાતાં આ તમામ મુસાફરોને હોમ કવોરન્ટાઈન કરી દેવા કોર્પોરેશન તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન રાજકોટથી ઉપડતી તમામ આંતરરાજય બસ સેવા બંધ કરી દેવાઈ છે. એકમાત્ર નાથદ્વારાની જ બસ ચાલુ રખાયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું.

દરમિયાન રાજકોટ એસટી બસ સ્ટોપ ઉપર કોરોનાને કારણે ટ્રાફીકમાં ભારે ઘટાડો થતા ૧૫૦ જેટલી લોકલ બસના રૂટ આજ સવારથી કેન્સલ કરી નખાયા છે. બસ સ્ટોપ ઉપર માત્ર ૩૦% મુસાફરો આવતા હોવાનું અધિકારીઓએ ઉમેર્યુ હતું.

(11:11 am IST)