રાજકોટ
News of Tuesday, 16th April 2019

રૂ.ત્રણ કરોડના છેતરપીંડી-વિશ્વાસઘાતના કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.૧૬: રાજકોટ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહની બાજુમાં આવેલ શ્રીમદ ભવનમાં આવેલ ભગીરથ ઇકવીપમેન્ટ પેઢી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયેલ હોય તે મુજબની ફરીયાદ નોંધાયેલ જેમાં આરોપીઓને કોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવેલ છે.

સમગ્ર કેસની હકિકત જોઇએ તો યોગેશભાઇ હરીભાઇ ગજ્જર જે ભગીરથ ઇકવીપમેન્ટ પેઢીના ડાયરેકટર હોય જેમની ફેકટરી ગોંડલ તાલુકાના ભુણાવા ગામે સાનીધ્ય ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ભગીરથ ઇકવીપમેન્ટ (ઇન્ડીયા)પ્રા.લી.ફેકટરી આવેલ છે. અને તેઓ મશીન બનાવીને વેચાણ કરવાનુ કામકાજ કરે છે. તેમને સને-૨૦૧૨-૧૩ની સાલમાં તેમના મશીન માટે ગીયર અને એકસેલની જરૂરત હોય જેથી તેઓએ મુકેશભાઇ પંચાસરા તથા મહેન્દ્રભાઇ પંચાસરાનો કોન્ટેકટ થયેલ અને તેઓએ મુકેશભાઇ અને મહેન્દ્રભાઇ પાસેથી ગીયર અને એકસેલની ખરીદી કરેલ અને તે ગીયર અને એકસેલને પોતાના મશીનમાં ફીટ કરીને પોતાની કંપનીના મશીનનુ વેચાણ કરતા હતા.

ફરીયાદીએ મુકેશભાઇ પાસેથી છેલ્લો ગીયર અને ેકસેલનો લોડ મંગાવેલ તે માલ ઓછી ગુણવતાવાળો અને નબળો હોય જેથી તે માલવાળા મશીનનુ વેચાણ કરેલ હોય તે મશીન વારંવાર બગડી જવાની ફરીયાદો આવતી હોય અને ગીયર અને એકસેલ વારંવાર તુટતા હોય જેથી અમુક મશીન પરત આવેલ અને ફરીયાદીએ તે મશીનો રીપેર કરવામાં અને અન્ય ખર્ચાઓમાં ખુબજ નુકશાન થયેલ હોય જેથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ અને મહેન્દ્રભાઇએ નબળો માલ મોકલેલી ને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય તે મતલબની ફરીયાદ નોંધાવેલ.

આ ફરીયાદ અનુસંધાને આરોપીઓએ કોઇ ગુન્હો આચરેલ ન હોય જેથી તેઓએ તેમના એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણી મારફત ગોંડલની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ. જે અરજી અનુસંધાને કોર્ટે બન્ને પક્ષકારોના એડવોકેટની રજુઆતો ધ્યાને લેતા તથા પોલીસ પેપર્સ ધ્યાને લેતા આરોપીઓના એડવોકેટની રજુઆતોને માન્ય રાખીને આરોપી મુકેશભાઇ પંચાસરા તથા મહેન્દ્રભાઇ પંચાસરાને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ગોંડલના સેસન્સ જજ શ્રી મનીષ પી.પુરોહીત ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી મુકેશભાઇ પંચાસરા તથા મહેન્દ્રભાઇ પંચાસરા વતી રાજકોટના એડવોકેટ શ્રી દુર્ગેશ જી.ધનકાણી, વિજય સી.સીતાપરા, ભાવેશ શીંગાળા રોકાયેલા હતા.

(4:22 pm IST)