રાજકોટ
News of Tuesday, 16th April 2019

સમગ્ર મતદાન મથક માત્ર મહિલાઓને સોંપવાના ચૂંટણી આયોગના નિર્ણયને મહિલાઓનો મજબૂત મનસૂબો

થોડો ડર, વધુ રોમાંચ 'સખી મતદાન મથકો'ના પ્રીસાઈડીંગ ઓફિસર્સનો પ્રતિભાવ : રાજકોટ જિલ્લાના ૪૦ મતદાન મથકોની તમામ કામગીરી માત્ર બહેનો જ સંભાળશે

રાજકોટ,તા.૧૬: દેશદાઝથી ભરપુર મુવી- ''ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક''નો આ પ્રખ્યાત સંવાદ રાજકોટની માનુનીઓએ પુરા જોશથી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના સંદર્ભમાં સાર્થક કરી બતાવવાનો નિર્ણય કરી લીધો છે.

યસ્સ...! વાત થઇ રહી છે-સખી મતદાન મથકની... સખી મતદાન મથક એટલે એવું મતદાન મથક, જયાંની તમામ ચૂંટણી કાર્યવાહી માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત હોય. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં પ્રત્યેક સંસદીય બેઠકના તમામ વિધાનસભા મતદાર વિભાગ દીઠ પાંચ સખી મતદાન મથકો નિયત કરવાનો નિર્ણય ચૂંટણી આયોગે કર્યો છે. જે મુજબ રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતદાર વિભાગ દીઠ કુલ ચાલીસ મતદાન મથકો એવા નિયત કરાયા છે, જે મતદાન મથકોની તમામ કામગીરી માત્ર બહેનો જ સંભાળશે. ચૂંટણી આયોગે દેશની મહિલાઓમાં મુકેલા આ વિશ્વાસને સાર્થક સાબિત કરવાનું બીડું રાજકોટની બહેનોએ ઝડપી લીધું છે.

રાજકોટ-૬૮ પૂર્વ, વિધાનસભા મતદાર વિભાગ, બુથ નં-૭૬ના પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના અંગ્રેજી વિભાગના લેકચરર ડો. ક્રિશ્નાબેન ડૈયાને ચૂંટણી ફરજો સોંપાઇ છે. રણછોડનગર સોસાયટીની શાળા નં-૧૫ ખાતે પ્રથમ વખત જ પ્રીસાઇડીંગ ઓફિસરની ડયુટી સંભાળનારા ડો. ક્રિશ્નાબેને આ અંગે તેમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ઓબ્વિયસલી મારે માટે આ પહેલી વારની ડયુટી હોવાથી થોડી અસમંજસની લાગણી થાય છે, પરંતુ દેશની લોકશાહી પ્રક્રિયાનો એક  અગત્યનો ભાગ બનવાનો ચાર્મ પણ એટલો જ છે. ડો. ક્રિશ્નાબેન સાથે ફર્સ્ટ પોલીંગ ઓફિસર તરીકે નેહાબેન પટેલ, સેકન્ડ પોલીંગ ઓફિસર તરીકે હીનાબેન પરમાર, મહિલા પોલીંગ ઓફિસર તરીકે પુનમબેન ધમસાણીયા અને પટાવાળા તરીકે રંજનબેન ગઢવીને ચૂંટણી ફરજો સોંપાઇ છે, જે તમામે આવી જ જોશભરી ભાવના સાથે ચૂંટણી ફરજો નિભાવવાનો મજબૂત મનસૂબો કરી લીધો છે.

સંત કબીર રોડ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય બુથના પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના લેકચરર શ્રીમતિ આરતીબેન જીજ્ઞેશભાઇ વ્યાસની નિમણૂક કરાઇ છે. તેમણે પોતાની આ ફરજો અંગે જણાવ્યું હતું કે, શરૂઆતનો થોડો ડર તાલીમ બાદ નીકળી ગયો હતો, પરંતુ સાથો-સાથ ભારતના ચૂંટણી આયોગે કરેલી પોતાની વરણીને યોગ્ય સાબિત કરવાનો રોમાંચ પણ શ્રીમતિ જાગૃતિબેને ભારોભાર દર્શાવ્યો હતો. તેમની સાથે અન્ય સ્ટાફમાં હર્ષિદાબેન જગોદડીયા, આરતીબેન જોષી, અવનિબેન વઘાસીયા અને હેમલતાબેન મુલિયાણીનો સમાવેશ થાય છે. આ બધી બહેનોના હૌસલા પણ ખૂબ જ બુલંદ છે.

થોડેક અંશે પડકારજનક ગણાતી ચૂંટણી કામગીરીની સમગ્ર પ્રક્રિયા જયારે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત થવાની હોય, ત્યારે આ જ બાબત આકરી પરીક્ષા સમાન પુરવાર થતી હોય છે. પરંતુ, રાજકોટની માનુષીઓએ કોઇ પણ પ્રકારના સંકોચ કે ડર વગર આ કામગીરી સ્વીકારી છે, તે જ બતાવે છે કે, ભારતમાં મહિલા સશકિતકરણ અને લોકશાહી-બંનેનું ભાવિ ઉજળું છે.(આલેખનઃ સોનલ બી.જોષીપુરા, માહિતી ખાતુ, રાજકોટ)

(4:02 pm IST)