રાજકોટ
News of Tuesday, 16th April 2019

કોઠારીયા સોલવન્ટમાંથી વિરનગરની કોળી સગીરાને યુપીનો રાહુલ યાદવ ભગાડી ગયો

અગાઉ કોળી પરિવાર શાપર રહેતો ત્યારે બાજુમાં જ યુપીનો શખ્સ રહેતો'તોઃ ૯મીએ સગીરા સાથે એ પણ ગાયબઃઆજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા.૧૬: મુળ જસદણના વિરનગરના અને હાલ કોઠારીયા સોલવન્ટમાં રહેતાં કોળી પરિવારની ૧૬ વર્ષ ૯ માસની વય ધરાવતી દિકરીને શાપર વેરાવળ રહેતો મુળ યુ.પી.નો શખ્સ ભગાડી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ મછોનગરની સામે ગોપાલનગરમાં ભાડેથી રહેતાં મુળ જસદણના વિરનગરના ગોૈરીબેન ભીખાભાઇ સરવૈયા (કોળી) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી યુ.પી.ના સાની ઉન્નાવ તાબેના ખેડા ઉંચા ગામના વતની રાહુલ દ્વારીકાપ્રસાદ યાદવ સામે આઇપીસી  ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે. ગોૈરીબેને ફરિયાદમાં જણાવેલી વિગતો મુજબ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પોતે, પતિ અને ૧૬ વર્ષ ૯ માસની વય ધરાવતી દિકરી એમ ત્રણેય કોઠારીયા સોલવન્ટ નજીક દરવાજાના હેન્ડલ બનાવવાના કારખાનામાં કામ કરવા જાય છે. ૯/૪ના રોજ સવારે ત્રણેય ત્યાં ગયા હતાં. સાંજે સાડા પાંચેક વાગ્યે કામનો સમય પુરો થતાં પોતે અને દિકરી ઘરે ગયા હતાં. દિકરી શેરીમાં બેઠી હતી અને પોતે અંદર ઘરકામ કરતાં હતાં. સાંજે છએક વાગ્યે તેણીના પતિ ઘરે આવ્યા ત્યારે દિકરીને ન જોતાં તપાસ કરી હતી. પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો. આસપાસ શોધખોળ કરવા છતાં મળી નહોતી. બે મહિના પહેલા પોતે પરિવાર સાથે શાપર વેરાવળ રહેતાં હોઇ અને કારખાનામાં કામ કરતાં હોઇ ત્યાં બાજુની ઓરડીમાં યુપીનો રાહુલ યાદવ રહેતો હોઇ તેના પર શંકા જતાં ત્યાં તપાસ કરવા જતાં ઓરડીએ તાળુ જોવા મળ્યું હતું. વધુ તપાસ થતાં રાહુલ જ દિકરીનું અપહરણ કરી ગયાની ગોૈરીબેન અને તેના પતિને ખબર પડતાં અંતે ફરિયાદ કરી હતી. આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)