રાજકોટ
News of Tuesday, 16th April 2019

કિશાન ગૌશાળાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહ

બાપાસીતારામ ચોક મવડી ખાતે આયોજન : દરરોજ સવારે કામધેનુ યજ્ઞ : બપોર બાદ કથા શ્રવણ

રાજકોટ તા. ૧૬ : આજીડેમ પાસે મેલડી માતાજીના મંદિર સામે આવેલ કિશાન ગૌશાળામાં અંધ, અપંગ, બિમાર ૧૯૨૦ થી વધુ ગૌ માતાઓને આશરો અપાય રહ્યો છે. ત્યારે આ ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૧૯ થી ૨૫ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે કિશાન ગૌશાળાના લાભાર્થે તા. ૧૯ થી ૨૫ સુધી મવડી, બાપા સીતારામ ચોક, સોરઠીયા  ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજેલ છે. જેના વ્યાસાસને શાસ્ત્રી શ્રી પિયુષપ્રસાદ ગીરીશભાઇ વ્યાસ બીરાજી દરરોજ બપોરે ૩ થી ૭ કથામૃતનું રસપાન કરાવશે.

જયારે કથા દરમિયાન દરરોજ સવારે ૭ થી ૧૨ કામધેનુ યજ્ઞ થશે. એજ રીતે કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ધર્મમય ઉજવણી કરાશે. રાત્રે વિવિધ કાર્યક્રમો થશે. જેમાં તા. ૨૦ ના શનિવારે ગૌ કર્ણ મહારાજની કથા અને રાત્રે લોકડાયરામાં ખીમજીભાઇ ભરવાડ, હર્ષ પીપળીયા, કવિતાબેન ઝાલા જમાવટ કરશે. તા.૨૧ ના નૃસિંહ જન્મ અને રાત્રે નાટક કોઠાભાડુકીયાનું 'વિર વચ્છરાજ' રજુ થશે. તા. ૨૨ ના ગોવર્ધન ઉત્સવ અને રાત્રે ડાયરો યોજાશે. જેમાં યોગીતાબેન પટેલ અને મનસખુભાઇ ખીલોરીવાળા ભાગ લેશે. તા. ૨૪ ના રાત્રે પ્રતિકભાઇનું પ્રવચન રાખેલ છે.

કથા દરમિયાન ગૌ આધારીત ખેતી, વ્યસન મુકિત, પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અંગે અને ટ્રાફીક નિયમન અંગે જાગૃતિ અભિયાન ચલાવાશે. રકતદાન કેમ્પ પણ આયોજીત થયો છે.

કથાની પોથીયાત્રા તા. ૧૯ ના શુક્રવારે જીથરીયા હનુમાન મંદિરેથી વાજતે ગાજતે નીકળી કથા સ્થળ સોરઠીયા ગ્રાઉન્ડ પહોંચશે. તા. ૨૫ જન સુદામા ચરીત્ર અન પરીક્ષીત મોક્ષની કથા સાથે પૂર્ણાહુતી થશે. ધર્મપ્રેમીજનોએ લાભલેવા કિશાન ગૌશાળા પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કથા આયોજનની વિગતો વર્ણવતા ચંદ્રેશભાઇ પટેલ (મો.૯૪૨૬૨ ૧૬૧૭૨), રમેશભાઇ કાછડિયા, રાજુભાઇ ગઢીયા, જે. પી. ભાલાળા, તેજાભાઇ ગઢીયા, અરવિંદભાઇ ખાપરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:39 pm IST)