રાજકોટ
News of Tuesday, 16th April 2019

પહેલા પુલ નીચે ઝઘડો થયો, પછી સામેની સાઇડમાં બધા પહોંચ્યા ને હત્યા થઇ... પોલીસમેન સહિતના આરોપીઓનું રિકન્સ્ટ્રકશન

પી.આઇ. વી.વી. ઓડેદરા અને ગાંધીગ્રામ પોલીસની ટીમ આરોપીઓ સાથે ઘટના સ્થળે જોઇ શકાય છે.(ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટઃ જસદણના કાઠી યુવાન કુલદીપ ખવડ અને તેના મિત્ર અભિનવ ખાચર પર ગયા બુધવારે ઇન્દિરા સર્કલ પાસે ગોલાની દૂકાન સામે બરાડા પાડવા બાબતે ડખ્ખો થયા પછી બે પોલીસમેન સહિતની ટોળકીએ છરીથી હુમલો કરતાં કુલદીપની હત્યા થઇ હતી અને અભિનવની હત્યાનો પ્રયાસ કરવા સબબ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં  પકડાયેલા ચાર આરોપી અર્જુનસિંહ શત્રુઘ્નસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૨૫-રહે. પ્રજાપતિ સોસાયટી-૬, આશાપુરા કૃપા બાલાજી હોલ પાસે), પોલીસમેન હિરેન સુરેશભાઇ ખેરડીયા (દરજી) (ઉ.૨૩-રહે. બ્રહ્માણી કૃપા, શ્રીનાથજી સોસાયટી-૫, મવડી રોડ), પોલીસમેન વિજય રાયધનભાઇ ડાંગર (આહિર) (ઉ.૨૭-રહે. અક્ષર પાર્ક ગંગોત્રી ડેરીવાળી શેરી, રૈયા ચોકડી) તથા પાર્થ શૈલેષભાઇ દોશી (વાણિયા) (ઉ.૨૨-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૩, બાલાજી હોલ પાસે)ના ૧૮મી સુધીના રિમાન્ડ પર હોઇ ગત સાંજે ચારેયને ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું. પોલીસમેન સહિતનાએ ઘટના સ્થળ બતાવીને કહ્યું હતું કે પુલ નીચે પહેલા બોલાચાલી થઇ હતી. એ પછી બધા સામેની સાઇડમાં ગયા હતાં અને ત્યાં ફરીથી ડખ્ખો થયા બાદ હુમલો થયો હતો. અભિલવએ નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસમેન વિજય અને હિરેન સહિત ત્રણ જણાએ છરીના ઘા ઝીંકયા હતાં. પોલીસે બે બાઇક કબ્જે લીધા છે. તેમજ વિશેષ તપાસ યથાવત રાખી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, કોન્સ. વનરાજ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ઘુઘલ, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:37 pm IST)