રાજકોટ
News of Tuesday, 16th April 2019

કલેકટર તંત્રનો નવતર પ્રયોગ

રાજકોટના પત્રકારોની મતદાર જાગૃતિ અંગે સીટી રાઇડ કલેકટરની ઉપસ્થિતિમાં ''મતદાન'' અંગે શપથ લીધા

કલેકટર તંત્રે મતદાન જાગૃતિ અંગે ગઇકાલે WOWબસમાં સીટી રાઇડ યોજી હતી. મતદાન અંગે સિગ્નેચર કેમ્પ પણ કર્યો' હતો, તસ્વીરમાં સીટી રાઇડને ફલેગ ઓફ આપતા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પરિમલ પંડયા નજરે પડે છે.

રાજકોટ, તા.૧૬: તંદુરસ્ત લોકશાહીના પ્રહરી ગણાતા પત્રકારોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના શપથ લીધા હતા. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવતા અભિયાન સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વાઉ બસમાં પત્રકારોએ પ્રવાસ કર્યો હતો અને બાદમાં મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

પોતાના મળેલા અધિકારો અંગે નાગરિકો જાગૃત થાય એ પત્રકારત્વનું કર્મ છે. રાજકોટના પત્રકારો સકારાત્મક અભિગમ સાથે પોતાનું આ કર્મ સુપેરે નિભાવી રહ્યા છે. દર વખતની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે પત્રકારો પોતાના સમુહ માધ્યમો થકી સતત પ્રયત્નશીલ રહે છે. આવા કર્મશીલ પત્રકારોએ આજે વાઉ બસમાં મુસાફરી કરી હતી. આ બસને કલેકટર ડો. રાહુલ ગુપ્તા, નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. આર. ધાધલે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વાઉ બસમાં આ સિટી રાઇડ મજ્જાની બની રહી હતી. કારણ કે, યુવા પત્રકારો સાથે વરિષ્ઠ પત્રકારો પણ તેમાં જોડાયા હતા. વરિષ્ઠ પત્રકારોએ ચૂંટણી વખતના પોતાના અનુભવો જણાવ્યા હતા.

અકિલાના વરિષ્ઠ પત્રકાર શ્રી નીતિનભાઇ પારેખે કહ્યું કે, પહેલાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતા અસ્તિત્વમાં નહોતું. એટલે ગમે ત્યા અને ગમે ત્યારે સભા થતી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો એક કિસ્સો

કહેતા શ્રી પારેખે કહ્યું કે, એ વખતે જંકશન પ્લોટવાળા વોર્ડમાં પરંપરાગત રીતે બે ઉમેદવારો ચૂંટણી લડે. ગણતરી વખતે પ્રતિસ્પર્ધી ઉમેદવાર વધુ મતો સાથે આગળ ચાલતા હતા. મતદાર યાદીનો માત્ર એક જ ભાગ બાકી હતો અને ઉમેદવારને એમ લાગતું હતું કે પોતાની જીત નિશ્યિત છે. એટલે વિજયની ઉજવણી માટે તેમણે ફટાકડા પણ મંગાવી લીધા હતા. પણ, છેલ્લી દ્યડીએ હરિફ ઉમેદવારની જીત થઇ. તેમના કહેવાનો મતલબ એવો હતો કે ચૂંટણીમાં મતદારોનો મિજાજ અકળ હોય છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી મયુરભાઇ ત્રિવેદીએ કહ્યું કે, ઇવીએમ નહોતા ત્યારે, બેલેટ પેપરની ગણતરી થતી હતી. આ ગણતરી બેબે કે ત્રણ દિવસ સુધી ચાલતી હતી. બેલેટ પેપરની ગણતરીનું કાર્ય બહુ જ ચિવટ માંગી લે એવું હતું. ગણતરીદારની સાથે ઉમેદવારના પ્રતિનિધિ પણ કંટાળી જાય એવું હતું. આજે ઇવીએમ આવતા એ કાર્ય સાવ સરળ થઇ ગયું છે. બેલેટ બોકસમાંથી ચીઠ્ઠીઓ પણ નીકળી હતી. એ ચીઠ્ઠીઓમાં શેરોશાયરી, પત્રો નીકળતા. આ પત્રો ભારે રમૂજભર્યા હોય. અખબારોમાં એની અલગ કોલમ છપાતી હતી.

વરિષ્ઠ પત્રકાર શ્રી સુશિલભાઇ ત્રિવેદીએ પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, ચૂંટણી હોય ત્યારે, રાજકોટનું સરકારી તંત્ર હંમેશા મીડિયાને સપોર્ટિવ રહ્યું છે. ચૂંટણી વખતે મતદાર જાગૃતિના કાર્યક્રમોના કારણે લોકો વધુ પ્રમાણમાં મતદાન કરતા થયા છે. તેમણે સિટી રાઇડ કાર્યક્રમ થકી પત્રકારોને પણ લોકજાગૃતિના કાર્યક્રમમાં જોડવા બદલ કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર માન્યો હતો.

વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રવીણસિંહ ઝાલાએ જણાવ્યું કે, પહેલા પ્રચાર પણ પરંપરાગત માધ્યમથી થતો હતો. એક રેંકડીમાં માઇક સાથે પ્રચાર માટે નીકળતા રાજકીય પ્રતિનિધિઓને જોવા માટે ગામ આખું નીકળતું અને બાળકો રેંકડી પાછળ પાછળ જ ફરતા હતા. આજે પ્રચારના આયામો બદલાયા છે. રાજકીય પ્રચાર હાઇટેક થઇ ગયો છે.

વરિષ્ઠ કેમેરામેન શ્રી પ્રવીણભાઇ પરમાર અને યુવાપત્રકાર શ્રી મારુત ત્રિવેદીએ પોતાના અનુભવો જણાવ્યા હતા અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સંવાદનું સંચાલન આરજે આભાએ કર્યું હતું.

કલેકટર ડો. ગુપ્તા દ્વારા રાજકોટના મીડિયાની સકારાત્મક ભૂમિકાની સરાહના કરવામાં આવી હતી. બાદમાં તમામ પત્રકારોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ વેળાએ સંયુકત માહિતી નિયામક શ્રી કે. એ. કરમટા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય, પત્રકારો સર્વ શ્રી દેવેન્દ્રભાઇ જાની, શ્રી ગિરીશભાઇ જોશી, શ્રી મોહિતભાઇ ભટ્ટ, શ્રી ગૌરવભાઇ દવે, શ્રી ઋષિભાઇ દવે, શ્રી દિલાવર ચુડેસરા, શ્રી જગદીશ દ્યેલાણી સહિતના પત્રકારમિત્રો, કલેકટર કચેરીના શ્રી પ્રીતિ વ્યાસ, શ્રી રાજયગુરુ જોડાયા હતા.

(11:45 am IST)