રાજકોટ
News of Tuesday, 16th April 2019

ભાજપ સત્તા-નાણાના જોરે સભ્યોને ખેંચે છેઃ ખાટરિયા

રાજકીય અને કાનૂની રીતે લડીએ છીએ અને લડતા રહીશુઃ પક્ષપલ્ટુઓ કોંગ્રેસ સાથેના વાંધાનું કારણ જાહેર કરે

રાજકોટ, તા. ૧૬ :. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને કોંગી અગ્રણી અર્જુન ખાટરિયાએ ભાજપ સત્તા અને નાણાના જોરે જિલ્લા પંચાયત તોડવા માટે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ખેંચી રહ્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે ભાજપની નીતિરીતિ સામે રાજકીય અને કાનૂની રીતે લડતા રહેવાનો લલકાર કર્યો છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, પંચાયતની ચૂંટણી સાથે ભાજપને માત્ર બે જ બેઠકો મળેલ. જનાદેશ સંપૂર્ણપણે કોંગ્રેસની તરફેણમાં હતો. લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે બીનલોકશાહી રીતરસમો અપનાવેલ. સત્તા અને નાણાના જોરે કેટલાક સભ્યોને ભાજપ સાથે જોડયા છે. પક્ષપલ્ટુઓએ પક્ષ સાથે વફાદારીનો ભંગ કર્યો છે.

લોભ-લાલચને કારણે જનાદેશની વિરૂદ્ધ વર્તયા છે. ભાજપમાં જોડાયેલા અમુક સભ્યો તો સમયાંતરે સગવડીયા વલણ અપનાવવા માટે જાણીતા છે. ભાજપ સાથે જોડાયેલા સભ્યોને કોંગ્રેસ સાથે શું વાંધો હતો ? અને ભાજપ સાથે કયા પરિબળથી જોડાયા છે ? તે જનતાને જણાવવું જોઈએ. ભાજપના ખૂબ ધમપછાડા છતા હજુ બહુમતી સભ્યો વફાદારીથી કોંગ્રેસ સાથે છે. સભ્યોના પક્ષાંતર સામે અમે કાનૂની લડત લડી રહ્યા છીએ અને લડતા રહીશું. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે અને રહેશે.

(11:44 am IST)