રાજકોટ
News of Monday, 15th April 2019

વેર 'વાળવા' માં નહીં 'વળાવવા'માં લાભઃ શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામી

સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ભગવાન શ્રીરામ અને શ્રી ઘનશ્યામજી મહારાજના પ્રાગટયોત્સવની ઉજવણી સાથે પંચ દિનાત્મક મહોત્સવનું સમાપન

રાજકોટ : અત્રેના શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે મર્યાદા પુરૂષોતમ રામચંદ્રજી ભગવાનનો જન્મ બપોરના બાર વાગ્યે અને પુર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી સ્વામીનારાયણને જન્મોત્સવ રાત્રીના ૧૦-૧૦ કલાકે સંતો તથા વિશાળ સંખ્યામાં ભાવિક ભકતોની હાજરીમાં ધામધૂમથી ઉજવાયો હતો. ગુરૂકુળમાં ચૈત્ર માસના આરાધના દિવસોમાં પંચામૃત ભકિત મહોત્સવ ઉજવાયો તેની આજે પુર્ણાહૂતિ કરવામાં આવી હતી. પંચામૃત મહોત્સવના અનુસંધાને સવારે શાસ્ત્રી હરિપ્રીયદાસજી સ્વામીએ તથા રાત્રીના પુરાણી શ્રી વિશ્વજીવનદાસજીસ્વામીએ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે કથા પારાયણ કરી હતી. ભગવાન શ્રી સ્વામી નારાયણ સમીયે વિવિધ વાનગીઓના અન્નકુટ ધરાવાયા હતા એક દિવસ વિવિધ શાકભાજી એક દિવસ વિવિધ ફ્રાઇમ્સ, એક દિવસ વિવિધ અનાજ તથા એક દિવસ વિવિધ તમામ પ્રકારના ફળોની હાટડી ભરવામાં આવેલ. આ પ્રસાદીના ફળોને સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રસાદીરૂપે વહેંચવામાં આવ્યા હતાં. આ પંચદિન કાર્યક્રમમાં રામનવમીના દિવસે ભકતો પોતાના ઘેરથી બનાવીને વિવિધ પકવાન, મીઠાઇ વગેરેના થાળ કરીને અન્નકુટ ધરાવવા લાવેલ. જેનો લાભ વિશાળ સંખ્યામાં લોકોએ લીધેલ. સવારે અને સાંજે મનોહરમૂર્તિ ઘનશ્યામ મહારાજનું વિવિધ રાજોપચારથી મહાપૂજન મહાની રાજન આરતી કરવામાં આવી શ્રી હરિ પ્રાગટય દિને સવારના સોળ હજાર જેટલા ભાવિક ભાઇ-બહેનોએ હરિકૃષ્ણ મહારાજને દૂધથી અભિષેક કરેલ. આ દૂધ પ્રસાદી રૂપે સૌને વહેંચવામાં આવેલ. રામનવમીના દિવસે રાત્રીના ફરાળી ભેળ, પંચાજીરી તથા સવારે ફરાળી શીરાની પ્રસાદી આપવામાં આવેલ. રાત્રીના સમયે શ્રી હરિ પ્રાગટય મહોત્સવ અંતર્ગત નાના નાના ભૂલકાઓએ નૃત્ય, રૂપક નાટિકા રજૂ કરેલ. આ પ્રસંગે ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ વિશાળ સભાને સંબોધતા જણાવેલ કે આપણે રામચંદ્રજી ભગવાન પાસેથી મર્યાદા, કૃષ્ણ પ્રભુ પાસેથી પ્રેમ, બુધ્ધ ભગવાન પાસે કરૂણા, મહાવીર પ્રભુ પાસેથી દયા અનેશિવાજી મહારાજ પાસે ચારિત્ર્યની શિખામણ લેવાની છે. શ્રીમંતો સાધનોથી તો સાધકો સાધનાથી પૂજાય છે. આપણે સૌએ સંપીને રહેવું જોઇએ સંબંધીના ઘા સહન કરવાથી સુખ મળે છે. સમાધાન બે ઘેર દીવા કરે છે. વેર વાળવાથી વધે  છે પણ વેરને  વળાવવાથી શાંતિ થાય છે. આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રીયદાસજી સ્વામી તથા પુરાણી વિશ્વજીવનદાસજી સ્વામીએ પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપી સૌને પ્રભાવિત કર્યા હતાં. આકર્ષક સ્ટેજ વ્યવસ્થા તથા બેઠક વ્યવસ્થાથી સૌને હૃદયમાં આનંદ વ્યાપતો હતો. પંચદિન કાર્યક્રમમાં કોઇએ પાંચ દિવસ તો કોઇએ નવ નવ દિવસના ઉપવાસ કરેલ તેવા સંતો તથા ભકતોને  ગુરૂવર્ય સદ્ગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામીએ આજેપારણા કરાવેલ એમ બાલુભગત તથા નિલકંઠ ભગતની યાદીમાં જણાવાયું છે.

(4:22 pm IST)