રાજકોટ
News of Monday, 15th April 2019

સિવિલ હોસ્પિટલમાં વધારાની દવા બારી ખોલવા વિચારણાઃ અધિક્ષકનું ઓપીડીમાં ઓચિંતુ ચેકીંગ

ખાસ કરીને સોમ અને બુધવારે ટોકન બારી તથા દવાબારીએ વધુ ગિરદી થતી હોઇ દર્દીઓની મુશ્કેલીઓ દૂર કરવા કવાયત : ડોકટર, નર્સિંગ સ્ટાફ, ફાર્માસીસ્ટ ફરજીયાત એપરન પહેરે અને નેમપ્લેટ લગાવે તે માટે કડક સુચના

રાજકોટ તા. ૧૫: શહેર ઉપરાંત આસપાસના ગામો અને સોૈરાષ્ટ્રભરમાંથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. અહિ ખાસ કરીને ઓપીડીમાં સોમવારે અને બુધવારે વધુ ગીરદી થતી હોય છે. આ કારણે કેસ માટેના ટોકન કઢાવવામાં અને બાદમાં તબિબને બતાવી લીધા પછી દવા લેવામાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. કલાકો સુધીમાં વારામાં ઉભા રહેવું પડે છે. આ હાલાકી દુર કરવા તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ વધારાની દવા બારી ખોલવા અને ટોકન સિસ્ટમ પણ વધુને વધુ સરળ બને તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે. સિવિલ હોસ્પિટલમાં આમ તો ઓપીડીમાં જુદા-જુદા વિભાગ મુજબ દવાબારી ચાલુ કરી દેવામાં આવી જ છે પરંતુ જે માળ પર દવા બારી નથી ત્યાં નવી બારી ચાલુ કરવા  વિચારણા થઇ રહી છે. ટોકન સિસ્ટમ ચાલુ થઇ ત્યારથી દર્દીઓની હાડમારી વધી ગયાની ફરિયાદો હતી. પરંતુ હવે આ તકલીફ ઓછી થઇ ગઇ છે. ટોકન સિસ્ટમ યથાવત રાખી વધારાની વ્યવસ્થા ઉભી કરવા અને દર્દીઓને હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવા વિચારણા છે. પરંતુ હાલમાં જગ્યા થોડી ઓછી પડી રહી છે. ડો. મનિષ મહેતાએ કહ્યું હતું કે અમદાવાદમાં ટોકન બારી અને કેસ બારી વચ્ચે ખુબ મોટી જગ્યા છે. આ કારણે  ત્યાં વચ્ચે દર્દીઓ અને તેમના સગા બેસી પણ શકે છે. અહિ પણ કંઇક ગોઠવણ થઇ શકે તેમ છે. 

ડો. મહેતાએ આજે સવારે અચાનક જ ઓપીડીમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. ટોકન બારી, દવા બારી, કેસ બારીઓમાં તપાસ કરી હતી. તેમજ ઉપરના માળ પર તમામ વોર્ડમાં ચેકીંગ કર્યુ હતું. તબિબો, નર્સિંગ સ્ટાફ અને ફાર્માર્સિસ્ટ ફરજીયાત એપરન પહેરીને ફરજ બજાવે તે માટે અને નેમ પ્લેટ લગાવે તે માટે કડક સુચના આપવામાં આવી હતી. દર્દીઓને તકલીફ ન પડે તે માટેના તમામ પ્રયાસો થઇ રહ્યાનું પણ તેણે જણાવ્યું હતું.

(3:56 pm IST)