રાજકોટ
News of Monday, 15th April 2019

નવી મેંગણીમાં શનિવારથી ભાગવત સપ્તાહ

ક્રિષ્ના ગૌ શાળાના લાભાર્થે આયોજન : કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી અને રાત્રે સંતવાણી, દેવ ડાયરો, કાન ગોપી સહીતના કાર્યક્રમો થશે

રાજકોટ તા. ૧૫ : રાજકોટથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલ નવી મેંગણી ખાતે તા. ૨૦ થી ૨૬ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા યુવા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે નવી મેંગણીમાં આવેલ 'ક્રિષ્ના ગૌ શાળા' માં ૧૨૫ થી વધુ ગૌ માતાઓનો નિભાવ તેમજ ગીર ગાય સંવર્ધનની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે આ ક્રિષ્ના ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યુ છે.

કથાના વ્યાસાસને જાણીતા શાસ્ત્રી શ્રી રવિન્દ્રભાઇ જોષી જુનાગઢવાળા બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધી કથામૃતનું રસપાન કરાવશે.

કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગો જેમ કે નૃસિંહ પ્રાગટય, વામન જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષમણી વિવાહની ઉજવણી કરાશે. તેમજ રાત્રે પણ વિવિધ કાર્યક્રમો થશે.

જેમાં તા. ૨૧ ના રાત્રે નવી મેંગણીના રાવળદેવ મિલનભાઇ અને કાથળભાઇનો માતાજીના ડાક, ડમરૂ, દેવડાયરો, તા. ૨૩ ના મંગળવારે રાત્રે અલ્પાબેન પટેલ, લાખણશીભાઇ ગઢવી, ધનસુખભાઇ ટાંકનો લોકડાયરો, તા.૨૫ ના ગામના જ કલાકારો છગનભાઇ શીંગાળા, મગનભાઇ શીંગાળા, સુખનજી લધાભાઇ હરસોડા, બંસી ભગત અભિનીત કાનગોપીનો કાર્યક્રમ રાખેલ છે.

સૌકોઇ ધર્મપ્રેમીજનોએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં ભાગવત સપ્તાહની વિગતો વર્ણવતા રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ (મો.૯૭૨૩૫ ૧૭૦૫૬)ના બિપીનભાઇ સીદપરા, ભાવેશભાઇ હરસોડા, યોગેશભાઇ સોરઠીયા, શૈલેષભાઇ સિદપરા, હસમુખભાઇ સીદપરા, શાંતિલાલ શિંગાળા, અનિલ ખુંટ, મનિષ પાનસુરીયા, સતિષ પાનસુરીયા, અશ્વિનભાઇ સીદપરા, સુરેશભાઇ સિદપરા, વિશાલ સીતાપરા, વિનોદ નિમાવત નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:55 pm IST)