રાજકોટ
News of Monday, 15th April 2019

બેભાન હાલતમાં વિદ્યાનગરના વેપારી જયેશભાઇ ભાયાણી સહિત ત્રણના મોત

ગાંધીગ્રામના નિતીન ચૌહાણ અને ચુનારાવાડના રમેશભાઇ ગોહેલે પણ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૫: બેભાન હાલતમાં વિદ્યાનગરના લોહાણા વેપારી, ગાંધીગ્રામના આધેડ તથા યુવાન મળી ત્રણના મોત નિપજ્યા હતાં.

મનહરપ્લોટ પાસે વિદ્યાનગર-૧માં રહેતાં જયેશભાઇ નંદલાલભાઇ ભાયાણી (ઉ.૫૦) રાત્રીના અઢી વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જયેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને રૈયા નાકા ટાવર પાસે બજર-તમાકુની દૂકાન ધરાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાની પરિવારજનોએ શકયતા દર્શાવી હતી.

બીજા બનાવમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આરએમસી કવાર્ટર નં. ૫૩૨માં રહેતો નિતીન મોહનભાઇ ચૌહાણ (ઉ.૨૪) નામનો અનુસુચિત યુવાન કિડની સહિતની બિમારી ધરાવતો હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં ગાંધીગ્રામ-૨ના હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવાએ કાર્યવાહી કરી હતી. મૃતક કડીયા કામ કરતો હતો અને બે ભાઇ તથા એક બહેનમાં મોટો તથા કુંવારો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ત્રીજા બનાવમાં ચુનારાવાડ-૮માં રહેતાં રમેશભાઇ વિરજીભાઇ ગોહેલ (ઉ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)