રાજકોટ
News of Monday, 15th April 2019

બંને પોલીસમેનને બબ્બે વખત 'આકરો ડોઝ' છતાં મોઢા ખોલતાં નથીઃ ૧૮મી સુધી રિમાન્ડ

ચારેયને ઘટના સ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રકશન સહિતની કાર્યવાહી હાથ ધરાશેઃ હત્યા બાદ વિજય સોમનાથ તરફ, હિરેન અને પાર્થ અમદાવાદ તરફ અને અર્જૂન તેના વતન બરડીયા તરફ ભાગી ગયો'તોઃ છરીના ઘા કોણે કર્યા? છરીઓ કયાં ફેંકી? બીજા કોણ-કોણ સામેલ? સહિતના મુદ્દે તપાસ યથાવત

રાજકોટ તા. ૧૫: ઇન્દિરા સર્કલ પાસે બુધવારે રાત્રે જસદણના કાઠી યુવાન કુલદીપ ખવડની હત્યા અને તેના મિત્ર અભિલવ ખાચરની હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા ચાર આરોપી અર્જુનસિંહ શત્રુઘ્નસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૨૫-રહે. પ્રજાપતિ સોસાયટી-૬, આશાપુરા કૃપા બાલાજી હોલ પાસે), પોલીસમેન હિરેન સુરેશભાઇ ખેરડીયા (દરજી) (ઉ.૨૩-રહે. બ્રહ્માણી કૃપા, શ્રીનાથજી સોસાયટી-૫, મવડી રોડ), પોલીસમેન વિજય રાયધનભાઇ ડાંગર (આહિર) (ઉ.૨૭-રહે. અક્ષર પાર્ક ગંગોત્રી ડેરીવાળી શેરી, રૈયા ચોકડી) તથા પાર્થ શૈલેષભાઇ દોશી (વાણિયા) (ઉ.૨૨-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૩, બાલાજી હોલ પાસે)ના ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરમાં બંને પોલીસમેન સહિત ચારેયની  બબ્બે વખત આકરી પુછતાછ થઇ હોવા છતાં છરીઓના ઘા કોણે કર્યા, બીજા કોણ-કોણ સામેલ? છરીઓ કયાં ફેંકી? સહિતના સવાલોના જવાબ મળી શકયા નથી.

શનિ-રવિની રાત ચારેયએ લોકઅપમાં વીતાવી હતી. પોલીસની પ્રાથમિક પુછતાછમાં બંને પોલીસમેન સહિત ચારેયે એવી કબુલાત આપી હતી કે પોતે મોબાઇલ ફોન પર ગીતો વગાડી સાથે સાથે બરાડા પાડી ગાતાં હોઇ અભિલવ અને કુલદીપે આવી શું બરાડા પાડો છો? કહેતાં ઝઘડો અને ગાળાગાળી થયા બાદ વાત હત્યા સુધી પહોંચી હતી. જો કે છરીના ઘા કોણે કર્યા તે જણાવ્યું નથી. હત્યા પછી વિજય ચાવડા સોમનાથ તરફ, હિરેન અને પાર્થ અમદાવાદ તરફ અને અર્જુન તેના વતન જામકંડોરણાના બરડીયા તરફ ભાગી ગયા હતાં. પોલીસે તેના સગા-સંબંધીને ઉઠાવી પ્રેશર વધારતાં ચારેય બાઘી પાસે પહોંચ્યા હતાં અને ત્યાંથી પોલીસે પકડી લીધા હતાં.

ચારેયના રિમાન્ડ મળ્યા હોઇ પોલીસ હવે ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન સહિતની કાર્યવાહી કરે તેવી શકયતા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, કોન્સ. વનરાજ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ઘુઘલ, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(12:09 pm IST)