રાજકોટ
News of Saturday, 16th March 2019

રાજકોટ કોર્પોરેશનને સ્વર્ણીમ જયંતીની ૭૦% ગ્રાન્ટ ફાળવતી સરકારઃ માંગ્યા'તા ૪૬ આપ્યા ૩ર કરોડ

રસ્તા-ડ્રેનેજ-પેવિંગ બ્લોકનાં ૩૩૯ કામો માટે સહાય મંગાઇ હતી

રાજકોટ તા. ૧ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં રસ્તા-ડ્રેનેજ-પેવિંગ બ્લોકથી સુવિધાનાં કામો માટે રાજય સરકાર પાસે  સ્વર્ણીમ જયંતી યોજના હેઠળ ૪૬ કરોડ જેટલી ગ્રાન્ટ માંગવામાં આવી હતી. જે પૈકી ૭૦ ટકા રકમ એટલે કે ૩ર કરોડ સરકારે ફાળવી દીધા છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજય સરકારની સ્વર્ણીમ જયંતી યોજના હેઠળ શહેરમાં રસ્તા-ડ્રેનેજ-પેવીંગ બ્લોકનાં ૩૩૯ કામોનું જમ્બો લીસ્ટ સરકારનાં મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન અને રાજકોટનાં  પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરીને રજૂ કરી અને આ માટે કુલ ૪૬.૬ર કરોડ ફાળવવા માંગણી મુકાઇ હતી.

આ માંગણી સંદર્ભે ચેરમેન શ્રી ભંડેરી દ્વારા હાલ તુરંત ૭૦ ટકા રકમ એટલે કે ૩ર.૬૩ કરોડ રાજકોટ કોર્પોરેશનને ફાળવવાનું મંજૂર કરી દીધુ છે. આ ગ્રાન્ટમાંથી રસ્તા - ડ્રેનેજ - પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે.

(3:50 pm IST)