રાજકોટ
News of Saturday, 16th March 2019

નેહાનો ચહેરો બગાડવા કમલેશ રામાણીએ સોપારી આપીઃ બે ઝડપાયા

માળા-મોબાઇલની લૂંટનો ભેદ ખુલવા સાથે એક ચોંકાવનારૃં કાવત્રું પણ ખુલ્યું: જુના મનદુઃખનો બદલો લેવા ૩૫ હજાર રોકડા આપ્યા, બાકીના ૧ લાખ કામ પતે પછી આપવાના હતાં: ૮મીએ ગુરૂકુળ સામે ધર્મદર્શન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વૃધ્ધાના ચેઇન અને એક પ્રોૈઢના મોબાઇલની બે બાઇકસ્વાર લૂંટ કરી ભાગ્યા હતાં: એ ભેદ ખુલવા સાથે કમલેશે ઘડેલુ કાવત્રુ પણ બહાર આવ્યું: જ્યાં ચેઇન ખેંચ્યો એ એપાર્ટમેન્ટમાં જ નેહા રહે છે, તેણી ઘરે હાજર ન હોઇ ચેતન રાઠોડ અને મિત્ર અમનોલ વાળા સોનાની માળા અને મોબાઇલની લૂંટ કરી ભાગ્યા'તા!: મુળ સુરતના ચેતન અને રાજકોટ રહેતાં તેના મિત્ર અનમોલને પાંચ મહિના પહેલા જમાલ અને કમલેશે ઓફિસે બોલાવી કામ સોંપ્યું હતું: ચેતન રીઢો ગુનેગાર...હત્યાની કોશિષ, લૂંટ, ધમકી, મારામારી સહિતના ૧૦ ગુના નોંધાયા છેઃ અનમોલે પૈસાની લાલચે સાથ દીધોઃ જગમાલભાઇ, સંતોષભાઇ મોરી અને મયુર પટેલની બાતમી

ડીસીપી રવિકુમાર સૈની તથા ટીમ અને પકડાયેલા બંને શખ્સ અને કબ્જે થયેલો મુદ્દામાલ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસે 'એક કાંકરે બે પક્ષી માર્યા' જેવી કામગીરી કરી છે. આઠેક દિવસ પહેલા ઢેબર રોડ ગુરૂકુળ સામે આવેલા ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં એક વૃધ્ધા આ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં હતાં ત્યારે ત્રણ શખ્સ સાંજના સમયે તેના ગળામાંથી ચેઇન લૂંટીને ભાગ્યા હતાં. તેમજ બહારની સાઇડ ઉભેલા એક પ્રોૈઢના હાથમાંથી મોબાઇલ પણ લૂંટી લીધો હતો. આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી મુળ સુરતના રીઢા ગુનેગાર અને રાજકોટ રહેતાં તેના મિત્રને દબોચી લીધા છે. આ ભેદ ખુલવા સાથે એક ચોંકાવનારૂ કાવત્રુ પણ બહાર આવ્યું છે. અગાઉ જમીન કોૈભાંડ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બિલ્ડર કમલેશ રામાણીએ ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની જુની દૂશ્મન એવી નેહા નામની યુવતિનો ચહેરો બગાડી નાંખવાની સોપારી લૂંટમાં પકડાયેલા બંનેને આપ્યાનું ખુલ્યું છે. આ બંને તથા ત્રીજો શખ્સ ગયા હતા એ યુવતિનું મોઢુ બગાડવા પણ તે ઘરે ન હોઇ ચેઇન અને મોબાઇલની લૂંટ કરતાં ગયા હતાં.

આ ઘટના સંદર્ભે આજે ભકિતનગર પોલીસ મથક ખાતે ડીસીપી રવિકુમાર સૈની, એસીપી જયદિપસિંહ સરવૈયા તથા એસીપી એચ.એલ. રાઠોડે વિગતો જણાવતાં કહ્યું હતું કે તા. ૮-૩ના સાંજના સમયે ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં એ-૪૦૨માં રહેતાં શારદાબેન મનસુખભાઇ આશરા (ઉ.૭૨) નામના લોહાણા વૃધ્ધાના ગળામાંથી ત્રણ શખ્સ રૂા. ૩૦ હજારની સોનાની માળા ખેંચી ગયા હતાં. આ ઉપરાંત બહાર નરેન્દ્રભાઇ નામના પ્રોૈઢ કે જે ધર્મદર્શનમાં પોતાના ભત્રીજાને મળવા આવ્યા હોઇ તે ફોનમાં વાત કરતાં હતાં ત્યારે તેના હાથમાંથી ૫ હજારનો મોબાઇલ પણ લૂંટી લીધો હતો. આ ઘટનાની તપાસ ભકિતનગર પોલીસની સાથોસાથ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કરી રહી હતી.

દરમિયાન હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી અને મયુરભાઇ પટેલને ખાસ બાતમી મળી હતી કે સોનાની માળા અને મોબાઇલ ફોનની લૂંટમાં મુળ સુરતનો રીઢો ગુનેગાર ચેતન હસમુખભાઇ રાઠોડ (વણકર) (ઉ.૨૮-રહે. ડાયમંડનગર લસકાણા, મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ એપાર્ટમેન્ટ, મુળ જાફરાબાદ શિક્ષક સોસાયટી જી. અમરેલી) તથા રાજકોટ સામા કાંઠે ઋષી આવાસ યોજના કવાર્ટર એ-વિંગના ચોથા માળે રહેતો અનમોલ રમેશભાઇ વાળા (વાલ્મિકી) (ઉ.૧૯)ની સંડોવણી છે અને આ બંને ગ્રીનલેન્ડ ચોકડીએ ભેગા થયા છે.

આ બાતમીને આધારે ટૂકડીએ ત્યાં પહોંચી બંનેને સકંજામાં લઇ તલાશી લેતાં સોનાની માળા મળી આવી હતી. આ માળા વેંચવા માટે વાતચીત કરવા બંને ભેગા થયા હતાં અને ઝડપાઇ ગયા હતાં. બંનેની પોલીસે ક્રાઇમ કુંડળી જાણવા પ્રયાસ કરતાં ચેતને પોતે અગાઉ સુરતમાં હત્યાની કોશિષ, મારામારી, લૂંટ, ધમકી સહિતના ૧૦ જેટલા ગુના આચર્યાનું કબુલ્યું હતું. અનમોલ તેનો મિત્ર છે અને મિત્રતાને ખાતર સાથે રહ્યો હતો.

જો કે ચેતન કંઇક છુપાવતો હોવાની શંકાએ તેની આગવી ઢબથી પુછતાછ થતાં તેણે ચોંકાવનારી વિગતો ઓકી હતી. તેણે કબુલ્યું હતું કે પોતે અને અનમોલ હકિકતે ચિલઝડપ-લૂંટ કરવા નહોતા ગયા પણ ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી નેહા નામની યુવતિના ચહેરા પર છરાના ઘા કરી તેનો ચહેરો બગાડી નાંખવાની સોપારીનું કામ પુરૂ કરવા માટે ગયા હતાં!

આ કામ કોણે અને શા માટે સોંપ્યું? તે અંગે વધુ પુછતાછ થતાં ચેતને કહ્યું હતું કે પાંચેક મહિના પહેલા પોતે પરિચીત એવા અફઝલ અને જમાલ અને કલ્પેશ મારફત બીગ બાઝાર સામે સિલ્વર હાઇટ્સમાં ઓફિસ ધરાવતાં બિલ્ડર કમલેશ રામાણીની ઓફિસ નીચે ભેગા થયા હતાં. તે વખતે કમલેશ રામાણીએ નીચે આવી પોતાને અગાઉનું મનદુઃખ હોઇ તે કારણે નેહા ઉપર હુમલો કરી તેનું મોઢુ બગાડી નાંખવાનો હવાલો આપ્યો હતો. આ કામ માટે જે તે વખતે પોતાને ૩૫ હજાર રોકડા અપાયા હતાં અને બાકીના ૧ લાખ કામ પત્યા પછી આપવાનું નક્કી થયું હતું.

ચેતને વધુમાં કહ્યું હતું કે સોપારી લીધા બાદ નેહા જ્યાં રહે છે એ ધર્મદર્શન એપાર્ટમેન્ટ પાસે પહોંચી રેકી કરી હતી અને એ કયા માળે કયા ફલેટમાં રહે છે તેની પુછતાછ પણ ત્યાંના કેટલાક રહેવાસીઓને કરી હતી. આ કામ પતાવવા  ચેતન, કલ્પેશ અને અનમોલ ગયા હતાં.  પરંતુ નેહા ઘરે ન હોઇ ત્રણેયે ખાલી હાથે પાછા ફરવાને બદલે પાર્કિંગમાં બેઠેલા વૃધ્ધાની સોનાની માળા અને સામે ઉભેલા નરેન્દ્રભાઇનો મોબાઇલ લૂંટી લીધો હતો.  પોલીસે સોનાની માળા તથા પકડાયેલા ચેતન અને અનમોલના મોબાઇલ ફોન કબ્જે લીધા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, ભરતભાઇ વનાણી, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(3:47 pm IST)