રાજકોટ
News of Saturday, 16th March 2019

ધોળકીયા સ્કૂલનું ફીનુ માળખુ જાહેરઃ ૫ કરોડથી વધુ ફી પરત કરવા નિર્ધારણ સમિતિનો આદેશ

ધોળકીયા ટ્રસ્ટ હેઠળની ૨૨થી વધુ શાળાઓમાં જૂના વર્ષોના ફીમાં રૂા. ૪૦૦થી ૮૧૦૦ રૂા. પરત કરવા પડશે

રાજકોટ, તા. ૧૬ :. શહેરમાં ધો. ૧૦ અને ૧૨માં શ્રેષ્ઠ પરિણામ આપતી પ્રથમ હરોળની ધોળકિયા સ્કૂલની તમામ શાખાઓની ફીનું માળખુ આજે ગુપચુપ રીતે ફી નિર્ધારણ સમિતિએ જાહેર કર્યુ છે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યુ છે કે, ધોળકિયા ગ્રુપની તમામ શાળાઓની ફીનુ માળખુ જાહેર કર્યુ છે. જે તે શાળાના જે વર્ગોમાં રૂા. ૪૦૦થી લઈને રૂા. ૮૧૦૦ સુધીની રકમનો રીફંડનો હુકમ કરેલ છે. તે રીતે રૂા. ૫ કરોડ ૨૦ લાખથી વધુ રકમનું રીફંડનો હુકમ કરેલ છે. શ્રી કે.કે. ધોળકિયા સ્કૂલ ચાલુ વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯ની સાલથી શરૂ થયેલ છે. તેનુ પણ ફીનુ માળખુ જાહેર કરેલ છે.

ફી નિર્ધારણ સમિતિએ આજે ડીવાઈન સ્કૂલ, શ્રીમતિ કે.કે. ધોળકિયા સ્કૂલ (ગુજરાતી મિડીયમ), શ્રીમતિ કે.કે. ધોળકિયા સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), ડીવાઈન સ્કૂલ (ગુજરાતી માધ્યમ), શ્રીમતિ ધોળકિયા સ્કૂલ (ગુજરાતી માધ્યમ), શ્રીમતિ કે.કે. સ્કૂલ (અંગ્રેજી માધ્યમિક), શ્રી જે.કે. ધોળકિયા સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, શ્રી જી.કે. ધોળકિયા સ્કૂલ્સ, માતૃશ્રી એલ.જી. ધોળકિયા સ્કૂલ (ગુજરાતી માધ્યમ), શ્રી એસ.એસ.જી.ધોળકિયા મેમોરીયલ સ્કૂલ, શ્રી કે.જી. ધોળકિયા સ્કૂલ્સ (સીબીએસી) સહિતની ૨૨ શાળાઓનું ફીનુ માળખુ જાહેર કરવામાં આવ્યુ છે.

ગરીબ મા-બાપના સંતાનો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે માટે ગુજરાત સરકારે ફી અધિનિયમ કાયદો બનાવ્યો છે. પ્રથમથી જ વિવાદમાં રહેલી ફી નિર્ધારણ સમિતિએ યેનકેન પ્રકારે ખાનગી શાળાઓનો ફી વધારો પાછલા બારણે મંજુર કર્યાનું ચિત્ર ઉપસ્યુ છે.

ફી નિર્ધારણ સમિતિ દ્વારા અખબારી પ્રતિનિધિઓ સમક્ષ જાહેર કરવાના બદલે માહિતી ખાતા દ્વારા શનિવારે ઈરાદાપૂર્વક જાહેર કરવામાં આવે છે.

ફી નિર્ધારણ સમિતીના વલણ સામે વાલીઓમાં અને વિદ્યાર્થી પાંખમાં ભારે રોષ પ્રવર્તે છે. અગાઉ મોદી સ્કૂલની ફીનું માળખુ જાહેર કરેલ જ્યારે આજે રાજકોટની હજારો વિદ્યાર્થી ધરાવતી ધોળકિયા સ્કૂલનું ફીનુ માળખુ જાહેર કર્યુ છે.

(3:45 pm IST)