રાજકોટ
News of Saturday, 16th March 2019

સ્થાનિક કેબલ ચેનલો ઉપર નજર રાખવા કલેકટર કચેરીમાં કન્ટ્રોલ રૂમઃ દિવ્યાંગ કર્મચારીઓને ફરજ

રાજકોટ તા.૧૬: રાજકોટ લોકસભા મત વિસ્તારની ચૂંટણી અનુસંધાને કલેકટર ડો.રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં રચવામાં આવેલી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ ચૂંટણી દરમિયાન રાજકીય પ્રકારની જાહેરાતના પ્રમાણીકરણ અને પેઇડ ન્યૂઝ અંગેની કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ અને કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, સ્થાનિક કેબલ ચેનલોને મોનિટરિંગ કરવા માટે કલેકટર કચેરીમાં ત્રીજા માળે એમસીએમસી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કર્મચારીઓની ફાળવણી કરી દેવામાં આવી છે.

આ કર્મચારીઓ ચેનલના કન્ટેન્ટ ઉપર દેખરેખ રાખી રહ્યા છે. આ વખતે માત્ર દિવ્યાંગ કર્મચારીઓને જ એમસીએમસી રૂમની ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં આવેલા કેબલ ચેનલોમાં રાજકીય પ્રકારની જાહેરાતો કે કાર્યક્રમો પ્રસારિત ન થાય તે માટે જેતે વિસ્તારના પ્રાંત અધિકારીશ્રીઓ મારફત કેબલ ઓપરેટરોને સૂચના આપવા જણાવવામાં આવ્યું છે.

ડો.ગુપ્તાએ એમ પણ જણાવ્યું કે, રાજકીય પક્ષોની સાથેની બેઠકમાં તેમના પ્રતિનિધિઓને રાજકીય જાહેરખબરના પ્રમાણીકરણથી માહિતગાર કરવામાં આવ્યા છે.  ચંુટણી પ્રચાર દરમિયાન મંજુરી માટે આવતી જાહેરખબરનું ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં પ્રમાણીકરણ થાય,તેની તકેદારી લેવા તેમણે અંતે જણાવ્યું હતું.બેઠકના પ્રારંભ કમિટિના સભ્ય સચિવ અને સંયુકત માહિતી નિયામક શ્રી કે.એ.કરમટાએ સભ્યોનું સ્વાગત કરી એમસીએમસીની ભૂમિકા સમજાવી હતી.

આ મિટિંગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીશ્રી ડી.પી.ચૌહાણ, આકાશવાણીના કેન્દ્ર નિયામક શ્રી વસંતભાઇ જોશી, સ્વતંત્ર સભ્ય ડો.યશવંત હિરાણી, મદદનીશ નોડેલ શ્રી દર્શન ત્રિવેદી, નાયબ મામલતદાર શ્રી કેતન સાખિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)