રાજકોટ
News of Saturday, 16th March 2019

રૈયા રોડ આઝાદ ચોક, મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક અને રૈયા ચોકડીએ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાવતી પોલીસ

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને ટ્રાફિકના એસીપી બી.એ. ચાવડાની સુચના હેઠળ પી.આઇ. પી.પી. ભોંઇ, ગાંધીગ્રામના વી. વી. ઓડેદરા અને ટીમોએ સાથે મળી કાર્યવાહી કરીઃ ૪૭ એનસી કેસઃ પાંચ વાહન ડિટેઇન

રાજકોટ તા. ૧૬: શહેરના રૈયા રોડ પર આઝાદ ચોક, હનુમાન મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક તથા રૈયા ચોકડી પાસે ટ્રાફિકને અડચણરૂપ હોય તેવા દબાણો દૂર કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ સુચના આપતાં સાંજે ટ્રાફિક બ્રાંચના એસીપી બી. એ. ચાવડા, પી.આઇ. પી. પી. ભોંઇ, પીએસઆઇ જે.કે. મહેતા, ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરા, એએસઆઇ બી. કે. જાડેજા તેમજ ટીમોએ સાથે મળી આમ્રપાલી પાસે આઝાદ ચોક, હનુમાન મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક, રૈયા ચોકડીએ ફૂટ પેટ્રોલીંગ કરી દબાણો દૂર કરાવ્યા હતાં. લારી, પાનના ગલ્લા, ચાના થડા રાખી ફૂટપાથ પર દબાણ કરનારા સામે કાર્યવાહી થઇ હતી. તેમજ ફૂટ ઝોનમાં વાહનો રાખી દેનારાઓને દંડ કરાયો હતો. આ ઉપરાંત વેપારીઓએ દૂકાન બહાર ફૂટપાથ પર સામાન ખડકી દીધો હોઇ તેની સામે પણ કાર્યવાહી થઇ હતી. કુલ ૪૭ એન. સી. કેસ કરવામાં આવ્યા હતાં અને પાંચ વાહનો ડિટેઇન કરાયા હતાં. લોકોની સતત અવર-જવરના રસ્તાઓ પર આ દબાણો થયાં હોઇ જેથી કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે તેમ એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાએ જણાવ્યું છે. (૧૪.૮)

(3:32 pm IST)