રાજકોટ
News of Saturday, 16th March 2019

રાષ્ટ્રીય સુરક્ષાઃ જાગૃતિ માટે રીક્ષા ચાલકોને ખાસ તાલીમઃ દેવભૂમિ દ્વારકામાં નવો પ્રયોગ

એસ.પી. રોહન આનંદના માર્ગદર્શનમાં ટ્રાફિક-એસઓજી પોલીસનું અભિયાન

રાજકોટ તા. ૧૬ :..  દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદને પોલીસ અને પ્રજા વચ્ચે આત્મીયતા જળવાઇ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને લગત પરસ્પર માહિતી મળી રહે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર૩૭ કિ.મી. જેટલા લાંબા દરિયાકાંઠા ઉપર નજર રાખવા તેમજ આ દરિયાકાંઠાનો ઉપયોગ કરી દેશદ્રોહી તત્વો પોતાના નાપાક ઇરાદા રોડ માર્ગે સફળ ન કરી શકે અને કાયમ દેશદ્રોહી પ્રવૃતિને નિષ્ફળ  બની  શકાય તેમજ પબ્લીક ટ્રાન્સપોર્ટમાં થતી શંકાસ્પદ હિલચાલની માહિતી મળી રહે તેવા ઉમંદા ઉદેશથી ટ્રાફીક શાખાના પો. સબ. ઇન્સ. ડી. બી. ગોહીલે ફોર વ્હિલ, બસ તથા રીક્ષા ચાલકોમાં જાગૃતિ માટે કાર્યક્રમ રાખવા સુચના કરતા ખંભાળીયામાં નગરપાલીકા યોગ કેન્દ્ર હોલ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના અધ્યક્ષ સ્થાને પબ્લીક ટ્રાન્સપોર્ટર્સ તથા રીક્ષા ચાલકોમાં જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, એચ. આર. હેરભા, ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી., એ. ડી. પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર, એસ. ઓ. જી., તથા પોલીસ સબ ઇન્સ. એ. આર. ગોહીલ વિગેરે અધિકરીઓ હાજર રહેલ હતાં.

મદદનીશ પોલીસ અધિક્ષક તથા ટ્રાફીક શાખાના પો. સબ. ઇન્સે. ફોર વ્હીલ, બસ  તથા રીક્ષા ચાલકોને જરૂરી માર્ગદર્શન આપેલ અને જરૂરીયાતના સમયે તાત્કાલીક અધિકારીશ્રીઓનો સંપર્ક થઇ શકે તે સારૂ સંપર્ક નંબરો વાળા સ્ટીકરો આપવામાં આવેલ હતાં. સદરહું કાર્યક્રમમાં આશરે ૩૦૦ જેટલા વાહન ચાલકો તથા ટ્રાવેલ્સ સંચાલકો તથા રીક્ષા ચાલકો હાજર રહેલ હતા અને નીચેની વિગતો અંગે સતર્ક રહેવા સુચનાઓ કરવામાં આવેલ હતાં.

મુંબઇ (તાજ) હુમલામાં 'કુબેર' નામની ભારતીય બોટ મારફતે આતંકવાદીઓ ગુજરાતના દરિયા માર્ગેથી જમીન પર આવ્યા હતાં. અને બાદમાં પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ કરી રોડ રસ્તે પણ આતંકવાદી હૂમલાઓને અંજામ આપવામાં આવેલ હતો જેથી આવા સમયે કોઇ શંકાસ્પદ વ્યકતી કે હિલચાલ, અજાણ્યા માણસો દેખાય ત્યારે નજીકના પોલીસ સ્ટેશન તથા અમારો (એસ. ઓ. જી.) કે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બાબતે જાણ કરી આપ દેશની સુરક્ષામાં મદદ રૂપ થઇ શકો છો.

શંકાસ્પદ સુરક્ષાને લાગતા પ્રશ્ને પુછતા શંકાસ્પદ ઇસમોની માહિતી તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન તથા અમારો (એસ. ઓ. જી.) કે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બાબતે જાણ કરવી. પોતાના વાહનમાં પેસેન્જર તરીકે કોઇ શંકાસ્પદ ઇસમ કે વસ્તુ જણાઇ આવ્યે તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન તથા અમારો (એસ. ઓ. જી.) કે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. તમોને અજાણ્યો માણસો કે ઘુસણખોરો, આતંકવાદીઓ દેખાય તો ચુપ રહેશો નહીં અને તેઓ દ્વારા કરવામાં આવતી તમામ હરકતોની બધી માહિતી પોલીસને આપશો પરંતુ માહિતી આપવાનું કયારે ટાળશો નહી કે નાગરીક ફરજથી ભાગશો નહીં.

એસ. ઓ. જી.ના તમામ સ્ટાફ તથા જિલ્લા કંટ્રોલ રૂમના નંબરોનું સ્ટીકરો વાહનોમાં લગાડી જરૂર પડયે સંપર્ક કરવા સુચના આપવામાં આવેલ છે.

(11:33 am IST)