રાજકોટ
News of Saturday, 16th March 2019

રખડતું જીવન જીવતાં જયપ્રકાશનગરના કાનજીભાઇ મહેશ્વરીની લાશ મળી

અમુલ સર્કલથી ૮૦ ફુટ રોડ પરના મેદાનમાં બનાવઃ હાર્ટએટેક આવ્યાની શકયતા

રાજકોટ તા. ૧૬: અમુલ સર્કલથી ૮૦ ફુટ રોડ પર એનએસઆઇસીના નજીકના મેદાનમાંથી સાંજે અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં થોરાળા પોલીસે પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. આ લાશ ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં અને હાલમાં રખડતું જીવન જીવતાં કાનજીભાઇ લક્ષમણભાઇ થારૂ (કચ્છી મહેશ્વરી) (ઉ.૪૫)ની હોવાનું ખુલ્યું છે.

મૃતક કાનજીભાઇને ભાઇઓ  છે અને બે પુત્ર કચ્છમાં રહે છે. પોતે જયપ્રકાશનગરમાં ગમે ત્યાં જમી લઇ ગમે ત્યાં સુઇ જતાં હતાં. તેમજ ગમે ત્યારે કોઇપણ ટ્રકમાં કલીનર તરીકે કામ કરી આવતાં હતાં. ગઇકાલ સાંજે તે વિસ્તારમાં જોવા ન મળતાં મિત્ર જગદીશભાઇને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન હાથમાં કાનજી નામ ત્રોફાવેલા વ્યકિતની લાશ મળ્યાની જાણ થતાં જગદીશભાઇએ હોસ્પિટલે પહોંચી લાશ જોતાં તે તેના મિત્ર કાનજીભાઇ મહેશ્વરીની જ હોવાનું જણાતાં થોરાળા પોલીસ મથકે પહોંચી માહિતી આપી હતી. એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેકથી કે બિમારીથી મોત થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

(10:27 am IST)