રાજકોટ
News of Saturday, 16th March 2019

મવડીના પટેલ વેપારી વિઠ્ઠલભાઇની લીમડા ચોકની હોટેલમાંથી લાશ મળી

દવા પીધાની શંકાઃ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહઃ ગઇકાલે ગૂમ થયા હોઇ પરિવારજનો શોધતા હતાં ત્યારે હોટેલ બહાર બાઇક જોવા મળતાં પત્તો લાગ્યો

રાજકોટ તા. ૧૬: મવડી ચોકડી પાસે બાપાસિતારામ ચોક નજીક રહેતાં વિઠ્ઠલભાઇ મનસુખભાઇ મુંગરા (ઉ.૪૦) નામના લેઉવા પટેલ યુવાનની લાશ લીમડા ચોકની હાર્મની  હોટેલના રૂમ નં. ૩૦૪માંથી મળતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

વિઠ્ઠલભાઇ મુંગરા ગઇકાલના ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા થઇ જતાં પરિવારજનોએ ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન લીમડા ચોકમાં એક સ્વજનને હાર્મની હોટેલ પાસે વિઠ્ઠલભાઇનું બાઇક જોવા મળતાં હોટેલમાં જઇ તપાસ કરતાં રૂમ નં. ૩૦૪માં બપોરે એક વાગ્યે ઉતરેલા વ્યકિત વિઠ્ઠલભાઇ હોવાનું આઇડી પ્રૂફને આધારે જાણવા મળ્યું હતું.

પરિવારજનોએ રૂમમાં જઇ જોતાં તે બેભાન મળતાં ૧૦૮ને બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ પી. પી. ચાવડા અને ક્રિપાલસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં મોટા હતાં અને વર્ષોથી માનસિક બિમારી હોઇ તેની દવા ચાલુ હતી. તેમને બાર વર્ષનો એક પુત્ર છે.

પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે વિઠ્ઠલભાઇ ત્રણેક દિવસથી અવાર-નવાર રડવા માંડતા હતાં. બિમારીને કારણે અગાઉ પણ બે વખત ઘરેથી નીકળી ગયા હતાં. ગઇકાલે ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ હોટેલમાંથી લાશ મળી હતી. તેમનું મોત ઝેરથી થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા વિસેલા લઇ લેબોરેટરીમાં મોકલાયા છે.

(10:26 am IST)