રાજકોટ
News of Saturday, 16th January 2021

દોરાથી ગળુ કપાતા ગાંધીગ્રામના એન્જિ.ના છાત્ર ઉત્સવ વ્યાસનું મોત

સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતો ૨૧ વર્ષિય મુંબઇ અભ્યાસ કરતો'તોઃ લોકડાઉનને કારણે રાજકોટ આવ્યો હતોઃ એકટીવા હંકારી બાસુંદી લેવા નીકળ્યો ને જીવ ગયો : દોરાથી ૩૨ને ઇજા, અમુક પટકાવાથી ઘવાયાઃ જાણે તિક્ષ્ણ હથીયારનો ઘા થયો હોઇ એ રીતે ગળુ કપાયું: પોસ્ટ મોર્ટમ કરનાર તબિબે કહ્યું શ્વાસ નળી કપાઇ જવાથી મોતઃ ઘટના સ્થળે લોહીનું ખાબોચીયું ભરાયું

પતંગના દોરાએ જિંદગીની ડોર કાપી નાંખીઃ પતંગના દોરાથી ગળુ કપાતાં ઉત્સવ ઘટના સ્થળે પડી ગયો હતો અને લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું હતું તે દ્રશ્ય રુિં(  ઉત્સવનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: પતંગના દોરાથી ગળા કપાઇ જતાં મૃત્યુ અને ઇજાઓની ઘટનાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બની હતી. અનેક લોકો દોરાથી ઘાયલ થયા હતાં તો કેટલાક ધાબા પરથી કે દોરો ફસાઇ જવાને કારણે પડી જતાં ઇજાઓ થઇ હતી. આવા ૩૨ લોકોનેે સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી અને જરૂરી હોય તેને તાકીદે મીની ઓપરેશન થિએટરમાં લઇ જઇ ઓપરેશન કરવામાં આવ્યા હતાં. ખાનગી હોસ્પિટલોમાં પણ કેટલાકે સારવાર લીધી હતી. જો કે એક કરૂણ ઘટનામાં ગાંધીગ્રામમાં રહેતાં ૨૧ વર્ષના એન્જિનીયરીંગના છાત્રનું રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે પતંગના દોરાથી ગળુ કપાઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવને પગલે બ્રાહ્મણ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-૩૦૧માં રહેતો ઉત્સવ ચેતનભાઇ વ્યાસ (બ્રાહ્મણ) (ઉ.વ.૨૧) નામનો યુવાન મકર સંક્રાંતિની બપોરે એકાદ વાગ્યે ઘરેથી એકટીવા હંકારી ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે પહોંચતા તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગળા પર જાણે કોઇ તિક્ષ્ણ હથીયારનો ઘા થયો હોઇ એવો કાપો પડી ગયો હતો.

યુવાન રોડ પર ફેંકાઇ ગયો હતો અને લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું હતું. એકઠા થઇ ગયેલા લોકોએ તાકીદે યુવાનની મદદ કરી હતી અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ડો. ચિરાગ માત્રાવડીયાએ ઉત્સવને મૃત જાહેર કરતાં હોસ્પિટલમાંથી રમેશભાઇ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતર સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર ઉત્સવના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. ઉત્સવ બે ભાઇમાં મોટો હતો અને  અને મુંબઇ રહી ડિપ્લોમા એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો હતો. પરંતુ લોકડાઉનને કારણે તે જુનમાં રાજકોટ ઘરે આવી ગયો હતો અને ઓનલાઇન અભ્યાસ કરતો હતો. આશાસ્પદ અને જુવાનજોધ દિકરાનું પતંગના દોરાથી મોત નિપજતાં વ્યાસ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પતંગના દોરાથી ઇજા પામનારા, સારવાર લેનારાઓની યાદી

સંક્રાંતને દિવસે પતંગના દોરાથી ઇજા થતાં કે દોરા વાહનમાં ફસાતા પડી જવાથી ઇજા થતાં અથવા તો અગાસીએથી પડી જતાં ઇજા થનારાઓ માટે સિવિલ હોસ્પિટલમાં તત્કાલ સારવાર અને ઓપેરશનની સુવિધા ઉભી કરવામાં આવી હતી. અહિ સવારથી સાંજ સુધી સતત આવા કેસ આવતાં રહ્યા હતાં. ઇજાગ્રસ્તોમાં વિજય રણછોડભાઇ (ઉ.૨૩-રાજકોટ), જેઠુસીંગ ગુમાનસીંગ (ઉ.૪૩-રાજકોટ), રફિકભાઇ ઇસ્માઇલભાઇ (ઉ.૪૦-રૂખડીયાપરા), જુનેદ સોયેબભાઇ કુરેશી (ઉ.૪-બજરંગવાડી), સમીરાબેન ઇકબાલભાઇ (ઉ.૪૨-બજરંગવાડી), નવઘણભાઇ રાઘવભાઇ (ઉ.૪૨-રહે. શાસ્ત્રીનગર), આરતીબેન રામભાઇ (ઉ.૨૨-પરસાણાનગર), મહેશ ચંદ્રાણી (ઉ.૩૦-જામનગર રોડ), વાસુદેવભાઇ છતલાણી (ઉ.૫૦-રહે. પરસાણાનગર), અહેમદ અલીભાઇ (ઉ.૧૨-રામનાથપરા), મયુર

અરવિંદભાઇ (ઉ.૮-નવાગામ), જગદીશ મંજુરભાઇ (ઉ.૩૦-લોધીકા), વિપુલભાઇ ચંદુભાઇ (ઉ.૫૦-ભારતીનગર ગાંધીગ્રામ), વિશાલ ચંદુભાઇ (ઉ.૨૪-સિંધી કોલોની), દેવર્શ પંકજભાઇ (ઉ૧૮-મનહરપ્લોટ), સુરેશ બલબહાદુર (ઉ.૧૯-ભોમેશ્વર), તોૈફિક ગફારભાઇ (ઉ.૩૦-કોઠારીયા સોલવન્ટ), સુરજ તિવારી (ઉ.૧૯-માર્કેટ યાર્ડ પાસે) અને વિમલ ભોજવીયા (ઉ.૩૦-બેડીનાકા)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દોરાને કારણે ઇજાના બનાવોમાં અન્ય લોકોને સારવાર અપાઇ હતી. તેના નામ આ મુજબ છે. અજય ભૈયાજી (ઉ.૨૦-યાર્ડ પાસે), કિશન ખેંગારભાઇ (ઉ.૧૭-મોરબી રોડ), મિલન (ઉ.૩૦-નાણાવટી ચોક), નિદેશ બાંભવા (ઉ.૨૦-રેલનગર), ભાવેશ દિલીપભાઇ (ઉ.૨૩-મોરબી હાઉસ), ડાયા રાઘવભાઇ (ઉ.૩૦-રણછોડવાડી), પવન દુબે (ઉ.૩૨-ગ્રીનલેન્ડ ચોકડી), પ્રાપ્તિ ભરતભાઇ (ઉ.૪-હુડકો), મહેન્દ્ર વિરમભાઇ (ઉ.૩૦-રાજકોટ), રમેશ રામસીંગ (ઉ.૨૫-આવાસ યોજના કવાર્ટર), પ્રવિણ રોગટીયા (ઉ.૨૫-વિરપુર), રાજુ ચાવડીયા (ઉ.૨૨-સાત હનુમાન પાસે), જયેશ ભાદાભાઇ (ઉ.૧૮-રૈયા ચોકડી) અને રાજેશ જેરામભાઇ (ઉ.૩૦-રેલનગર). આ તમામને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

જ્યારે ઘંટેશ્વર ૨૫ વારીયામાં ધાબા પર ચડી પતંગ ઉડાવતી પૂજા રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૫) અકસ્માતે પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

(3:17 pm IST)