રાજકોટ
News of Wednesday, 16th January 2019

બોગસ એમ.ડી. શ્યામે ઉભી કરી હતી ૧૧ ડોકટરોની ટીમ

લાઇફ કેર હોસ્પિટલની ડોકટરોની ટીમમાં મોટાભાગના એમ.ડી. : તપાસનો રેલો છાંટા ઉડાડશે : નકલી ડોકટરની હોસ્પિટલ સાથે જોડાયેલા અસલી ડોકટરોની યાદી શોધી કાઢતી મહાપાલિકા : સાથી ડોકટરોને ગોરખધંધાની ખબર ન હતી કે આંખ આડા કાન કર્યા? ખુલશે રાઝ

રાજકોટ તા.૧૬ : રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાસ્પદ બનેલા બોગસ તબીબ શ્યામ રાજાણીના કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહયા છે. મહાપાલિકાની તપાસમાં સામે આવ્યા મુજબ લાઈફ કેર હોસ્પિટલમાં બોગસ તબીબ પોતે એમડી બની બેઠો હતો અને પોતાની સાથે અન્ય ૧૦ ડોકટરોને જોડી ૧૧ ડોકટરોની આખી ટીમ બનાવી હતી. જે યાદી મહાપાલિકાને હાથ લાગી છે. હવે સવાલ એ છે કે શ્યામ બોગસ તબીબ છે અને તેના ગોરખધંધાની તેની ટીમના સાથી ડોકટરોને શુંખબર નહીં હોય ? મહાપાલિકાના અધિકારીઓએ પોતાની તપાસમાં આ તમામ ૧૦ ડોકટરો વિશેની નામાવલી મેળવી લીધી છે. આ પ્રકરણમાં આરોપી શ્યામની ટીમના ડોકટરો અન્ય રાઝ ખોલી શકે છે. અનેક દિશામાં આ કેસની તપાસ ચાલી રહી છે પરંતુ લાઈફ કેર હોસ્પિટલની ડોકટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ શું કહે છે ? તે હજુ સામે આવ્યું નથી. પોલીસ તપાસ દરમિયાન શ્યામના અન્ય કાળા કરતૂતો સામે આવી શકે છે.

આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું કે લાઈફ કેર હોસ્પિટલમાં ૧૧ ડોકટરોની ટીમ કાર્યરત હતી જેમાં એક પોતે શ્યામ હતો. ડોકટરોની ટીમમાં તે પ્રથમ ક્રમે હતો અને પોતાને એમડી ફિઝીશ્યન તરીકે પ્રસ્તુત કરતો હતો. અન્ય ૧૦ ડોકટરોની ટીમમાં મોટાભાગના એમડી ડોકટર અને જનરલ સર્જન સામેલ હતા. લાઈફ કેર હોસ્પિટલમાં શ્યામ દવારા લાંબા સમયથી ચાલતાં ગોરખધંધા વિશે ટીમના સાથી ડોકટરો ઘણો પ્રકાશ ફેંકી શકે છે. પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં આરોપી શ્યામની ટીમના ૧૦ ડોકટરોનું શું કહેવું છે તે મહત્વપુર્ણ બની રહેશે.

ડોકટરની નકલી ડીગ્રી પ્રકરણમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારાએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ કેસમાં મહાપાલિકાની આરોગ્ય શાખાની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે. કારણ કે જે આરોગ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમણે જ લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન લાઈસન્સ ઈસ્યૂ કર્યુ હોવાનું શાખાના જ સૂત્રો જણાવે છે. શ્યામ પોતાના સાગરીતો સાથે મળી હોસ્પિટલના કર્મચારીને માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ લાઈફ કેર હોસ્પિટલ અને શ્યામ બોગસ તબીબ હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. મહાપાલિકાની આરોગ્ય શાખાએ તો લાયસન્સ આપવામાં અને રિન્યૂ કરવામાં દસ્તાવેજી આધારની ખરાઈ કરી ન હતી.

લાઈફ કેર હોસ્પિટલમાં સરકારી દવાઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે જેના તાર મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ સુધી જોડાયેલા હોઈ શકે છે. આરોગ્ય કેન્દ્રોમાં આવતાં સરકારી દવાના સ્ટોક, વપરાશની વિગતોની તપાસ થાય તો ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તેમ જાણકાર લોકો કહે છે.

શ્યામના કાળા કરતૂત પ્રકરણમાં વાયરલ ઓડિયો કલીપમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓના નામ હોવાથી આરોગ્ય અધિકારીઓ દબાણ હેઠળ છે. તેમના વિરૂઘ્ધ તપાસ પણ ચાલી રહી છે. એક પછી એક પન્ના ખુલી રહયા હોવાથી આરોગ્ય શાખાએ લાઈફ કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કર્યુ અને હવે એફઆઈઆર નોંધાવી છે. આ કેસમાં પોલીસ તપાસ યોગ્ય દિશામાં રહી તો બોગસ તબીબ શ્યામના કાળા કરતૂતનો રેલો અનેક લોકો સુધી પહોંચી શકે છે.

(4:05 pm IST)