રાજકોટ
News of Wednesday, 16th January 2019

સમય મર્યાદા બહાર કરાર પાલન અંગે થયેલ દાવો ટકી શકે નહિ : દસ્તાવેજ રદ કરવાનો દાવો મંજૂર

રાજકોટ તા.૧૬ : વડીયા તાલુકાના ગામ દેવળકીના રેવન્યુ સર્વે નં.૮૦ પૈકી જમીનનું બાનાખતના કરાર પાલન અંગે અને થયેલ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ રદ બાતલ કરવા કરેલ સાટાખત ધારકનો દાવો વડીયાના પ્રિન્સીપાલ સીવીલ જજ શ્રી એ.ડી.પરમારે વાદીનો દાવો ખર્ચ સહિત નામંજુર કરતો હુકમ કરેલ હતા.

વડીયા તાલુકાના દેવળકી ગામે રહેતા લખુભાઇ દેવજીભાઇ ડોબરીયાએ દેવળકીના જમીન માલીક વજુભાઇ જેરામભાઇ સાથે તેમની દેવળકીના રે.સ.નં. ૮૦ પૈકીની જમીનનું બાનાખત ગત તા.૨૨-૦૭-૯૭ ના ૨૧૦૦ ચો.વા. જમીન અંગે કરેલ અને સદરહું જમીન ત્રણ લાખમાં વેચાણ આપેલ હતી. તે જમીનની રકમ વાદી લખુભાઇએ જમીન માલીક વજુભાઇ જેરામભાઇને ગત તા.૧૧-૦૮-૯૭ના સાક્ષીઓની રૂબરૂમાં ચુકવી આપેલ અને તેની રૂએ સદરહું જગ્યાનો કબજો હોવા અંગે કરેલા લાંબાગળે કરાર પાલનનો દાવો જમીન માલીક વજુભાઇના અવસાન બાદ તેમના વારસોએ સદરહું જમીન માહે પ્લોટ નં.૧ નો રજી. વેચાણ  દસ્તાવેજ રદબાતલ કરવા જમીન ખરીદનાર વાદી લખુભાઇ દેવજીભાઇ ડોબરીયાએ જમીન માલીક ગુજ. વજુભાઇ જેરામભાઇના વારસો લાભુબેન વજુભાઇ બોરડ અને તેના સંતાનો સામે તથા જમીન ખરીદનાર રસીલાબેન શૈલેષભાઇ રાવરાણી સામે કેસ દાખલ કરેલ.

આ કેસમાં બંને પક્ષે પુરાવો લેવામાં આવેલ અને જમીન ખરીદનાર રસીલાબેન રાવરાણી વતી તેના વકીલશ્રી એલ.વી. લખતરીયાએ લીમીટેશન એકટ મુજબ વાદી લખુભાઇએ કરાર પાલન અંગે ૩ વર્ષમાં દાવો કરવો જોઇએ તેમજ ખરીદેવ જમીન માહે ખેતીમાંથી બીનખેતી થયા બાદ પ્લોટ નં.ર અને ૩નો દસ્તાવેજ તા.રર-૦૭-૯૯ના લખુભાઇએ કરાવેલ છે જે હકીકત સાબિત કરે છે કે, પ્લોટ નં.૧ ની જમીન વાદીએ ખરીદેલ નથી અને ખોટો બાનાખત જમીન માલીકના અવસાન બાદ ઉભો કરી કરેલ ચુકતે અવેજ અને કબજા પાવતીની રૂએ સને ૧૯૯૭નો કરાર પાલનનો દાવો વાદી ૨૦૦૯માં પ્લોટ નં.૧ ના ખરીદનાર જોગ થયેલ દસ્તાવેજ બાદ લાવેલ છે જે દાવો કાયદાકીય જોગવાઇ મુજબ ચાલવા પાત્ર નથી અને બાનાખતની રૂએ કબજો  ગેરકાયદેસર ગણાય જે અંગે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જૂદા જૂદા કેસોમાં પ્રસ્થાપીત કરેલ ચુકાદાના સિધ્ધાંતો લક્ષમાં લઇ વડીયાના સિવિલ જજ એ.ડી.પરમારે વાદી લખુભાઇ દેવજીભાઇનો દાવો સમય મર્યાદા બહારનો હોવાનું ઠરાવી દાવો ખર્ચ સહિત રદ કરી દાવાનું ખર્ચ પ્રતિવાદીઓને આપવા ઠરાવ અને હુકમનામુ કરેલ છે.

આ કામે પ્રતિવાદી નં.૧ પ્લોટ ખરીદનાર રસીલાબેન શૈલેષભાઇ રાવરાણી વતી રાજકોટના એડવોકેટ એલ.વી.લખતરીયા, દક્ષા બી.પંડયા, બીનીતા જે. ખાંટ, ભાવિન આર.લીંબાણી, યોગેશ પી.ચૌહાણ અને વડીયાના બી.ડી. મકવાણા એડવોકેટ રોકાયેલ હતા.(૪૫.૧૦)

(2:34 pm IST)