રાજકોટ
News of Monday, 15th November 2021

ટાગોર માર્ગ પર અતુલ મોટર્સ શો રૂમમાં આગ

રાતે પોણા બારેક વાગ્યે બીજા માળે હોર્ડિંગમાંથી શરૂ થયેલી આગ આગળ વધી જતાં દરવાજાના કાચ, આઠ દસ કોમ્પ્યુટરમાં મોટી નુકસાનીઃ ફાયર બ્રિગેડે કાબુમાં લીધીઃ શોર્ટ સરકિટથી આગ ભભુકયાનું તારણ

તસ્વીરમાં રાતે આગ ભભૂકી હતી તે દ્રશ્ય તથા આગ લાગ્યા પછી શો રૂમની હાલત કેવી થઇ ગઇ હતી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના વિરાણી ચોકથી આગળ ટાગોર માર્ગ પર આવેલા અતુલ મોટર્સ પ્રા.લિ. નામના કારના શો રૂમમાં બીજા માળે રાતે પોણા બારેક વાગ્યે આગ ભભૂકી ઉઠતાં અને જોતજોતામાં મોટા લબકારા ચાલુ થઇ જતાં ફાયર બ્રિગેડના બે ફાયર ફાઇટર પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના દ્રશ્યો થોડીવાર માટે વિકરાળ બની જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આગમાં હોર્ડિંગ્સ, કાચના દરવાજા, કોમ્પ્યુટર સહિતમાં મોટી નુકસાની થયાનું જાણવા મળ્યું છે.

ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ અતુલ મોટર્સ પ્રા. લિ. નામના શો રૂમમાં આગ લાગ્યાની જાણ થતાં બે ફાયર ફાઇટર સાથે ટીમ પહોંચી હતી અને આગ બુઝાવવા કામે લાગી હતી. પાણીનો મારો ચલાવી આગને સંપુર્ણ કાબુમાં લઇ લીધી હતી. આગ ઉપરના બીજા માળે કંપનીના હોર્ડિંગસ્માં લાગી હતી. આગમાં કોઇ મોટી જાનહાની થઇ નથી. તેમજ નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી. બનાવ સ્થળે શો રૂમના માલિક હરિશ્ચંદ્રભાઇ જગજીવનભાઇ ચાંદ્રા હાજર હતાં.

હરિશ્ચંદભાઇ ચાંદ્રાએ જણાવ્યું હતું કે શોર્ટ સરકિટથી આગ ભભુકી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. શો રૂમ પર રાતે ચાર ગાર્ડ ફરજ પર હતાં. હોર્ડિંગ્સમાંથી શરૂ થયેલી આગ આગળ વધી ગઇ હતી. આગમાં કાચના દરવાજા, હોર્ડિંગ્સ, આઠ દસ કોમ્પ્યુટરને નુકસાની થઇ છે અને બીજુ પણ નુકસાન થયું છે. જો કે કેટલી નુકસાની થઇ તે સર્વેયર આવીને તપાસ કરશે પછી જાણવા મળશે.

(3:23 pm IST)