રાજકોટ
News of Friday, 15th November 2019

અત્યાર સુધી કદી નથી બની તેવા વિષય પર રાજકોટમાં નિર્માણ પામશે અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર'

સાચા હીરો તેને કહેવાય જે લોકોની સમસ્યાને સમજે, તેનું સમાધાન કરે, હમેંશા સાથે ઉભા રહે...કંઇક આવી જ વાત છે આ ફિલ્મમાં : નિર્માતા નિલેષ કાત્રોડિયા અને નિર્દેશક રક્ષિત વસાવડા તથા ફિલ્મના કલાકારો હર્ષલ માંકડ, મેહુલ બુચ તેમજ કટાર લેખક જય વસાવડા, ચિત્રલેખાના જ્વલંત છાયાએ આપી ફિલ્મ વિશે પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારીઃ રાજુ યાજ્ઞિક, મિલન ત્રિવેદી, અનિશ કચ્છી, હર્ષિત ઢેબર, કાજલ અગ્રાવત અને આસ્થા મહેતાનો પણ અભિનય : ફિલ્મ સાથે જોડાયેલા ૯૦ ટકા લોકો રાજકોટના : જય વસાવડાએ ફિલ્મ મુહુર્તની કલેપ આપી હતી

યુવા સરકારની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં નિર્માતા નિલેષ કાત્રોડિયા, નિર્દેશક રક્ષિત વસાવડા, કલાકારો મેહુલ બુચ, હર્ષલ માંકડ, જ્વલંત છાયા, તથા અન્ય કલાકારો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા, આલેખનઃ ભાવેશ કુકડીયા)

રાજકોટ તા. ૧૫: હાલમાં ગુજરાતી ફિલ્મોનો નવો યુગ ચાલી રહ્યો છે. અર્બન ગુજરાતી ફિલ્મો બનવાની શરૂઆત થયા પછી એક એકથી ચડીયાતી ગુજરાતી ફિલ્મો જોવા મળી રહી છે. અલગ જ કહાની સાથે ભરપુર મનોરંજન અને ખાસ સંદેશા આપતી અનેક ફિલ્મો આવી ચુકી છે. હવે વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મના નિર્માણનો શુભારંભ થયો છે. આ ફિલ્મનું નામ છે-'યુવા સરકાર'.  આ ફિલ્મના નિર્માણને કારણે રાજકોટવાસીઓ પણ ગોૈરવ અનુભવી શકશે! કારણ કે ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કરનારા રાજકોટિયન્સ છે, તો સાથોસાથ ફિલ્મનું શુટીંગ પણ રાજકોટ અને સોૈરાષ્ટ્રમાં જ થશે. આ જોતાં રાજકોટનું એક પોતાનું પ્રોડકશન હાઉસ સમય જતાં ઉદ્દભવશે તેવી આશા જન્મી છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહેલા હિન્દી-ગુજરાતી ફિલ્મો અને ટીવી શો તથા નાટકોના ખુબ જાણીતા અભિનેતા મેહુલ બુચએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે-આવા વિષય પર ગુજરાતીમાં કદી પણ કોઇ ફિલ્મ બની નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ. હું એટલે જ આ ફિલ્મ સાથે જોડાયો છું. આ ફિલ્મ રાજકારણ તથા યુવાનને તો મહત્વ આપે જ છે, સાથે મનોરંજન પણ છે.

નિર્મલા ક્રિએશન દ્વારા નિર્મિત અર્બન ગુજરાતી ફિલ્મ યુવા સરકારનો કટાર લેખક જય વસાવડાના હસ્તે ચિત્રલેખાના જ્વલંત છાંયા, અભિનેતા મેહુલ બુચની હાજરીમાં વિધિવત કલેપ આપી આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. ફિલ્મ વિશે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ે નિર્દેશક રક્ષિત વસાવડાએ જણાવ્યું હતું કે-કંઇક અલગ કરવા માટે જ્યારે હર્ષલભાઇએ મારો સંપર્ક કર્યો અને   પોતાના નાટક તથા રંગભૂમિના અનુભવને આધારે ફિલ્મ બનાવવાની વાત કરતાં એ વિચારને મુર્તિમંત કરાયો છે. નિર્માતા નિલેષ કાત્રોડિયાએ કહ્યું હતું કે-એશિયામાં સરેરાશ વયની દ્રષ્ટીએ સોૈથી વધુ યુવાઓ ભારતમાં છે. ભારતની આવતીકાલ યુવાનોના હાથમાં છે. તેઓને પ્રેરણા મળે તે માટે આ પ્રોજેકટને પ્રોડ્યુસ કરવાનો મેં નિર્ણય કર્યો  છે.

ખાસ વાત એ છે કે રાજકોટના જ કલાકારો દ્વારા આ ફિલ્મ બનાવી અનોખુ સાહસ કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢી રાજકારણથી દુર રહે છે, પણ ફિલ્મની સ્ક્રિપ્ટમાં કંઇક અલગ જ મેસેજ અપાયો છે. યુવા પેઢી રાજકારણને પોતાની કારકિર્દી બનાવે અને આગળ વધે તેમજ સામાન્ય વ્યકિતથી લઇને શિક્ષક સુધીના બધા તેમાં જોડાય અને શિક્ષકને રાજકારણમાં આ સમયમાં કેવી તકલીફો વેઠવી પડે છે તેની વાત આ ફિલ્મમાં હશે.

ફિલ્મમાં જાણીતા અભિનેતા મેહુલ બુચ, રાજુ યાજ્ઞિક, મિલન ત્રિવેદી, અનિશ કચ્છી, હર્ષિત ઢેબર, કાજલ અગ્રાવત, આસ્થા મહેતા અભિનય આપશે. સાચો હીરો કોને કહેવાય? તે વાત આ ફિલ્મ થકી જાણવા મળશે. ફિલ્મની વિશેષતા એ છે કે ફિલ્મમાં અભિનયથી લઇને સંગીત, નિર્માણ, નિર્દેશન સહિતના ૯૦ ટકા કામોમાં રાજકોટના લોકો જોડાયેલા છે.

 ફિલ્મમાં મુખ્ય રો નિભાવી રહેલા હર્ષલ માંકડે કહ્યું હતું કે મુંબઇમાં જો સારી ફિલ્મો બનતી હોય તો સોૈરાષ્ટ્રમાં, રાજકોટમાં સારી નહિ પણ ખુબ સારી ફિલ્મ કેમ ના બની શકે? રાજકોટના ખુણેથી દુનિયાને બતાવી દેવું છે કે રાજકોટ-સોૈરાષ્ટ્ર પણ કોઇથી કમ નથી. આજે યુવાનો જ્યારે ડોકટર, વકિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી ઉદ્યોગ જગતમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે એ જ રીતે આવતીકાલનો યુવાન રાજકારણને કારકિર્દી બનાવવા પ્રેરાય તે માટે આ ફિલ્મ બનાવવાનો વિચાર આવતાં મેં રક્ષિત વસાવડાનો સંપર્ક કર્યો અને તેણે આ વિચારને વટવૃક્ષનું સ્વરૂપ આપતાં 'યુવા સરકાર' ફિલ્મ બની રહી છે.

ફિલ્મમાં સંગીત શૈલેષ પંડ્યાનું છે. તો સુપ્રસિધ્ધ ગાયક ઓસમાણ મીરના કંઠે સોૈ પ્રથમ વખત દેશભકિતની કવ્વાલી છે. અન્ય ગાયકોમાં સોલી કાપડીયા, નિધી ધોળકીયા, મયુર ચોૈહાણ, સુજલ (હલચલ બોય) અને હિતશ્વ નાણાવટીએ સ્વર આપ્યો છે. પચ્ચીસ વર્ષથી સંગીત ક્ષેત્રે સક્રિય શૈલેષ પંડ્યાના પુત્ર હર્ષલ પંડ્યા અને કર્દમ શર્મા કે જે મુંબઇમાં સંગીત ક્ષેત્રે સક્રિય છે તેણે પણ ફિલ્મમાં યોગદાન આપ્યું છે. પત્રકાર પરિષદનું આયોજન જીલ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મિડિયાના તેજસ શીશાંગીયા, નિલેશ શીશાગીયા અને સંજય શાહએ કર્યુ હતું.

સરકાર ખુબ મદદ કરી રહી છે, જરૂર છે ખુબ સરસ ફિલ્મો બનાવવાનીઃ ગુજરાતી પ્રેક્ષકોએ પણ થિયેટર સુધી આવવુ જ પડશેઃ મેહુલ બુચ

. યુવા સરકારમાં મહત્વની ભુમિકા નિભાવી રહેલા કલાકાર મેહુલ બુચે જણાવ્યું હતું કે રાજકોટ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધારવામાં સામેલ થયું છે. ગુજરાતી ફિલ્મોને આગળ લાવવા હાલની સરકારે, મોદીજીએ સબસીડી સહિતના ઘણા લાભો આપ્યા છે. જે ખર્ચે ફિલ્મ બની જાય છે તેના કરતાં ત્રણ ગણું સરકાર આપી રહી છે. તો હવે જે ગુજરાતી ફિલ્મો બને છે તે સરસ બનાવવી જોઇએ, નિર્માતા-નિર્દેશકોએ પણ સારામાં સારી ગુજરાતી ફિલ્મો બનાવવા માટે ગંભીર બનવું પડશે અને સોૈથી મહત્વની વાત કે ગુજરાતી પ્રેક્ષકોએ હવે સંપુર્ણ રીતે જાગૃત થઇ ગુજરાતી ફિલ્મો જોવા માટે સિનેમા હોલ સુધી જવું પડશે. જો આમ થશે તો એક દિવસ એવો આવશે કે એક સાથે અનેક સિનેમા હોલમાં પ્રાઇમ ટાઇમમાં ગુજરાતી ફિલ્મો દર્શાવાતી હશે.

(3:43 pm IST)