રાજકોટ
News of Friday, 15th November 2019

વોટર પોલ્યુશનના કેસમાં રંજન પ્રિન્ટર્સના ભાગીદારોનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૧૫  :  રાજકોટ શહેરમાં મેસર્સ રંજન પ્રિન્ટર્સ નામે ચાલતી ભાગીદારી પેઢી તથા પેઢીના ભાગીદારો મોહનભાઇ વાલજીભાઇ લુણાગરીયા તથા બાબુભાઇ ભીખાભાઇ કેરાલીયા તથા દેવરાજભાઇ જેરામભાઇ લુણાગરીયા બધાનું ઠે. ગોવિંદબાગ, ડી.કે.ટેક્ષટાઇલ્સ સામે, બ્રાહમણીયા પરા, પેડક રોડ, રાજકોટવાળા સામે, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આસિસ્ટન્ટ એન્જીનીયર પ્રફુલકુમાર જમનાદાસ વાછાણીએ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનીયમની કલમ-૨૫,૨૬ ના ભંગ બદલ કલમ-૪૪ અને ૪૭ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી ીજતાં અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે.

સદરહુ ફલજદારી કેસ રાજકોટના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી એસ.વી. મનસુરીની કોર્ટમાં ચાલી જતા સદરહુ કેસના મુળ ફરીયાદી પ્રફુલકુમાર જમનાદાસ વાછાણી આસી. એન્જીનીયર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પોતાની જુબાનીમાં જણાવેલ કે તેઓ મેસર્સ રંજન પ્રીન્ટર્સની મુલાકાતે કયારેય ગયેલ નથી કે તેઓ આરોપીને ફરીયાદ કરતા પહેલા જોયા પણ નથી. તેઓ માત્ર તૈયાર થઇને આવેલી ફરીયાદમાં સીધા સહી સિક્કા કરી દીધેલ છે, તેમજ ફરીયાદ સાથે રજુ કરેલા દસ્તાવેજો અંગે કોઇ અંગત જ્ઞાન નથી, તેમજ કેસને લગતા કોઇપણ પુરાવાની કોઇ મહીતી ફરીયાદીને ન હતી, તેમજ સને ૧૯૮૮ની સાલમાં કેમીકલ એનેલાઇઝર રીપોર્ટની કોપી આરોપીઓને રજી.એ.ડી.પોસ્ટથી મોકલવાની હોય તે પણ આરોપીઓને મળેલ છે કે કેમ તેની પણ ફરીયાદીને ખબર ન હોય તેમજ આરોપીના કારખાનાની ડ્રેનેજમાંથી નમુના લેવાયેલ ન હોય ફરીયાદ પક્ષના સાહેદો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય તેમજ કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ તેમજ ફરીયાદ પક્ષની દલીલો ધ્યાને લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ આરોપીઓ વિરૂધ્ધ પુરવાર કરી શકતા ન હોય આરોપીઓને તેમની સામેના પાણી પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ અધિનીયમની કલમ-૨૫,૨૬ ના ભંગ બદલ કલમ-૪૪ અને કલમ ૪૭ ના શિક્ષાને પાત્ર ગુન્હાઓમાંથી ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૪૮(૧) અન્વયે આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજકોટના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એસ.વી. મનસુરીએ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ મહેશભાઇ ત્રિવેદી, કીરીટભાઇ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ રોકાયા હતા.

(3:39 pm IST)