રાજકોટ
News of Friday, 15th November 2019

રાજકોટને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગીની માંગ

જુદી જુદી માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ : વરસાદથી ૮૫ લાખ હેક્ટરમાં જુદા જુદા પાકને નુકસાન

અમદાવાદ, તા.૧૪ : રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના ત્રિકોણબાગથી લઈ કલેક્ટર કચેરી સુધી જન વેદના રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા બેરોજગારી, આર્થિક કટોકટી, મોંઘવારી તેમજ રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલીયા સહિતનાઓ હાજર રહ્યા હતા. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ૮૫ લાખ હેક્ટરમાં નુકસાન થવા પામ્યું છે,

               ત્યારે સરકારે રાજકોટ પંથક અને તેની આસપાસના વિસ્તારોના ખેડૂતોની દયનીય હાલત સમજીની માનવતાના ધોરણે યોગ્ય વળતરની ચૂકવણી કરવી જોઇએ, સાથે સાથે રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તે મુજબ વળતરની રકમ ખેડૂતોને આપવી જોઇએ. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, તે વાસ્વતમાં ખેડૂતોની મજાક સમાન છે. દરમ્યાન ગુજરાત સરકાર દ્રારા ખેડુતો માટે ૭૦૦ કરોડ જાહેરાત પર વિધાનસભાના ઉપનેતાએ શૈલષ પરમારે સરકાર પર કર્યા પ્રહાર કર્યા હતા કે, સરકારે જાહેર કરેલું રૂ.૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતો માટે મજાક સમાન છે. કોંગ્રેસના આંદોલન બાદ સરકાર જાગી છે. સરકારની જાહેરાત એ લોલીપોપ સમાન છે. જે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યમા ફરવા માટે ૨૦૦ કરોડનુ પ્લેન લે અને રાજ્યના ખેડુતોને માત્ર ૭૦૦ કરોડનુ બજેટ એ રાજ્યના ખેડુતોની મજાક છે. ઉપનેતા એ સરકાર અને વિમાકંપની ભાગીદારી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર વીમા કંપનીઓ પાસેથી પ્રિમીયમ ભર્યા બાદ પણ ખેડુતોના તેમના હક્કના નાણા નથી અપાવી શકતી ત્યારે રાજ્ય સરકાર અને વીમાકંપની સાંઠગાઠ હોવાનુ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે.

(9:44 pm IST)