રાજકોટ
News of Friday, 15th October 2021

ચેક રીટર્નના કેસમાં સજાના હુકમ સામે થયેલ અપીલમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૧૫: ચેક રીટર્નના કેસમાં  સજાના હુકમ સામે અપીલમાં આરોપીનો જામીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી રૂદ્ર ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.વતી હરેશભાઇ સી.ભટ્ટ રહે. ઋષિકેશ એપાર્ટમેન્ટ, રાજકોટવાળાએ ૬-મનહર પ્લોટ, અભિષેક એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ ખાતે રહેતા દિનેશભાઇ છોટાલાલ પાનસોરા વિરૂધ્ધ ચેક રીટર્નની ફરીયાદ નોંધાવેલી. સદરહું ફરીયાદ ચાલી જતા નામદાર નીચેની અદાલતે આરોપીને ચેક રીટર્નના કેસમાં તકસીરવાન ઠરાવી અને છ માસની સાદી કેદની સજા તેમજ રૂ.૩૬૦૦૦ ફરીયાદીને ચુકવી આપવા અને જો ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ આરોપીની ગેરહાજરીમાં નીચેની કોર્ટે તા.૩૦-૭-ર૦ર૧ના રોજ ફરમાવેલ હતો.

ત્યાર બાદ આ કામના આરોપીને પોલીસે પકડી રજુ કરતા જેલ હવાલે થયેલ. ત્યાર બાદ આરોપીએ તેના એડવોકેટ અમીત એન.જનાણી મારફત સેસન્સ અદાલતમાં ફોજદારી અપીલ નીચેની અદાલતે તેને ફોજદારી કેસ નં. ૧૨૭૩૩/૨૦૧૬ ના કામમાં કરેલ સજા સામે અપીલ દાખલ કરી નીચેની કોર્ટનો હુકમ અપીલ ચાલતા સુધી સ્ટે કરવા તેમજ જામીન મુકત કરવા અપીલ કરેલ.

સદરહું કામ બોર્ડ ઉપર આવતા અરજદાર (આરોપી) તરફે રજુઆત કરેલ કે હાલના કેસમાં આરોપીને તેની બચાવની તક મળેલ નથી. તેમજ સદરહું હુકમ આરોપીની ગેરહાજરીમાં સંભળાવવામાં આવેલ હોય જેથી પણ આરોપીને પોતાની બચાવની તક ન મળેલ અને અપીલ સમય પુર્ણ થઇ જતા પોલીસે ધરપકડ કરી નામદાર નીચેની સ્પે.નેગોશ્યેબલ કોર્ટના હુકમ મુજબ અપીલ સમય વીતી ગયેલ હોય જેલ હવાલે કરેલ હોઇ જામીન મુકત કરવા જોઇએ.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ સેસન્સ અદાલતે અરજદાર (આરોપી) દિનેશભાઇ છોટાલાલ પાનસોરાને ચેકની રકમના ર૦ ટકા રકમ જમા કરાવવાની શરતે દસ હજારના જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં અરજદાર (આરોપી) દિનેશ છોટાલાલ પાનસોરા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન.જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા. 

(3:36 pm IST)