રેલનગરના મામા સાહેબના મંદિરેથી રાહુલનું અપહરણ કરી ૧ાા લાખની ખંડણી મંગાઇઃ પોલીસે છોડાવી ૬ને દબોચ્યા
રૈયાધારનો યુવાન દર્શન કરવા રાતે દસેક વાગ્યે રેલનગરમાં આવ્યો ત્યાંથી ઉઠાવી જવાયોઃ એ પછી તેના મમ્મીના ફોનમાં ફોન કરી કહેવાયું કે તમારા દિકરાને જીવતો જોવો હોય તો ૧ાા લાખ તૈયાર રાખોઃ મિત્ર દિલીપ પાસેથી રાહુલે ૭ હજાર ઉછીના લીધા હોઇ તેની ઉઘરાણીનો ડખ્ખો : પોલીસની ટીમોએ બે છટકુ ગોઠવી બે શખ્સ દિપક ડાંગર અને હેમરાજ ગઢવીને ખંડણીના રૂપિયા લેવા બાઇક પર આવતાં રંગેહાથ દબોચ્યાઃ એ પછી ત્રીજા આરોપી રૂષીક ઉર્ફ ટકાને શેઠનગર પાસેથી અને ચોથા પ્રિતેશ ઉર્ફ દકાને અલ્ટો કાર લઇ ભાગતાં ફિલ્મી ઢબે પીછો કરી રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેથી અને બાકીના બે સદામ-અજયને ૧૫૦ રીંગ રોડેથી પકડી લેવામાં આવ્યા : યુનિવર્સિટી પોલીસની ટીમે અપહૃતને હેમખેમ મુકત કરાવ્યો

ડિટેકશનની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એલ. એલ. ચાવડા તથા સાથે પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા અને યુનિવર્સિટી ડી. સ્ટાફની ટીમ તથા પકડાયેલા છએય આરોપીઓ નીચેની તસ્વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૫: શહેરના રેલનગરમાં આવેલા મામા સાહેબના મંદિરે રાતે દર્શન કરવા ગયેલા રૈયાધાર ઇન્દિરાનગરના વણકર યુવાનને તેના જ બે મિત્રો સહિત પાંચ છ જણાએ અલ્ટો કારમાં ઉઠાવી જઇ લોધીકા તરફની વાડીમાં લઇ જઇ મારકુટ કરી તેના જ ફોનમાંથી તેના મમ્મીને ફોન જોડી 'તમારા દિકરાને જીવતો જોઇતો હોય તો ૧ાા લાખ તૈયાર રાખજો' તેવો ફોન કરતાં ગભરાયેલા પરિવારજનોએ પોલીસને જાણ કરતાં તુરત જ યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પૈસા લઇ જવાનું છટકુ ગોઠવી પોલીસે ખંડણીના રૂપિયા લેવા આવેલા બે શખ્સને રંગેહાથ પકડી લીધા બાદ યુવાનને મુકત કરાવી બીજા ચારને પણ ફિલ્મી ઢબે દબોચી લીધા હતાં. અપહૃત યુવાન પાસે લોધીકા રહેતો તેનો મિત્ર સાત હજાર માંગતો હોઇ તેની ઉઘરાણી મામલે અપહરણ કરી ખંડણી મંગાયાનું બહાર આવ્યું છે. પોલીસે ૬ આરોપીઓને પકડી લીધા છે.
બનાવની વિગત એવી છે કે રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં અને પ્રાઇવેટ કામ કરતાં રાહુલ નરસીભાઇ બોરીચા (વણકર) (ઉ.વ.૨૩)ને રાતે દસેક વાગ્યે તે રેલનગરના મામાસાહેબના મંદિરે દર્શન કરવા ગયો ત્યાંથી તેના જ મિત્ર અજય મહેતા, અજયના મિત્ર દિકૂ અને બીજા અજાણ્યાએ કારમાં ઉઠાવી જઇ લોધીકા તરફ વાડી વિસ્તારમાં લઇ જઇ છરી પાઇપથી હુમલો કરી માર મારતાં અને બાદમા ગાંધીગ્રામમાં ધરમનગર મંદિર પાસે છોડી મુકતાં તેને વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના પિતા નરસીભાઇ પ્રેમજીભાઇ નિવૃત જીવન જીવે છે. રાહુલે કહ્યું હતું કે હું દર ગુરૂવારે રેલનગર મામાસાહેબના મંદિરે દર્શન કરવા જાઉ છું. ગઇકાલે ગુરૂવાર હોઇ રાતે દસેક વાગ્યે ત્યાં દર્શને ગયો હતો. ત્યારે અહિ મિત્ર અજય મહેતા, તેનો મિત્ર દિકૂ તથા બીજા અજણ્યા આવ્યા હતાં અને મને આટો મારવા જવુ છે, કારમાં બેસી જા તેમ કહેતાં હું ન બેસતાં બળજબરીથી ખેંચીને કારમાં નાખી વાડી વિસ્તારમાં લઇ ગયા હતાં રસ્તામાં અને લોધીકા પાસે વાડીમાં મને ખુબ માર માર્યો હતો.
એ પછી મારા જ ફોનમાંથી મારા મમ્મી મંજુલાબેનને ફોન જોડી જો તમારે દિકરો પાછો જોઇતો હોય તો દોઢ લાખ તૈયાર રાખજો તેવો ફોન કર્યો હતો. એ પછી પોલીસે મને છોડાવતાં અપહરણ કરનારા મને ગાંધીગ્રામ ધરમનગરમાં વહેલી સવારે ઉતારીને ભાગી ગયા હતાં.
ખંડણીનો ફોન આવતાં તુરત રાહુલના પિતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં તે રૈયાધાર રહેતાં હોઇ યુનિવર્સિટી પોલીસની હદ હોઇ પીઆઇ એ. એસ. ચાવડા અને ટીમ એલર્ટ થઇ ગઇ હતી અને અલગ અલગ ટીમો બનાવી અપહૃત રાહુલને છોડાવવ દોડધામ શરૂ કરી હતી. પોલીસે છટકુ ગોઠવી ટેકનોલોજી અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અપહૃતના પિતા નરસીભાઇના ફોનમાંથી દોઢ લાખની વ્યવસ્થા થઇ ગઇ છે, પૈસા લઇ જાવ એવો ફોન અપહરણ કરનારને કરવ્યો હતો.
એ પછી નરસીભાઇ રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રૂપિયાની થેલી સાથે હોય એવો દેખાવ કરીને ઉભા રહ્યા હતાં. વાત થયા મુજબ બાઇક પર બે શખ્સ ખંડણીની રકમ લેવ આવતાં જ ડી. સ્ટાફના માણસો છુપાઇને ઉભા હોઇ બંનેને દબોચી લીધા હતાં. તેણે પોતાના નામ દિપક અને હેમરાજ કહ્યા હતાં. તેમજ પ્રિતેશ ઉર્ફ દકાએ રૂપિયા લેવા મોકલ્યાની વાત કરી હતી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા બંનેના ફોનમાંથી પ્રિતેશ ઉર્ફ દકાને ફોન કરાવ્યો હતો અને રૂપિયા મળી ગયા છે રાહુલને છોડી દો તેવી વાત કરાવી હતી. આથી રહુલને અલ્ટો ગાડીમાં બેસાડી ગાંધીગ્રામ ધરમનગર રોડ પર ઉતારીને બે શખ્સ ભાગી ગયા હતાં. ત્યાર દિપક અને હેમરાજે ફોન કરી પ્રિતેશ ઉર્ફ દકાને રૂપિયા લઇ જવા શેઠનગર પાસે બોલાવ્યો હતો. આ વખતે પોલીસના માણસો આસપાસ છુપાઇ ગયા હતાં. અહિ રૂપિયા લેવા રૂષીક ઉર્ફ ટકો આવ્યો હતો. તેને પકડી લીધો હતો. તેની પુછતાછ કરતાં તેણે પ્રિતેશ ઉર્ગ દકો જામનગર રોડ પર અલ્ટો ગાડી લઇને ઉભો હોવાનું કહેતાં પોલીસ ત્યાં જતાં પ્રિતેશે અલ્ટો ભગાવી મુકી હતી. તેનો પીછો કરી માધાપર ચોકડીએ ઉભેલા સ્ટાફને જાણ કરાતાં ફિલ્મી ઢબે તેની કારને રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આંતરી પકડી લેવાયો હતો. એ પછી ૧૫૦ રીંગ રોડ પરથી અજય ઉર્ફ સદામને પણ પકડી લેવાયો હતો.
પોલીસે આ રીતે કુલ ૬ આરોપીઓ અજય ઉર્ફ સદામ બિપીનભાઇ મહેતા (ઉ.૨૧-રહે. રૈયાધાર બાપા સિતારામ ગોૈશાળા પાસે), પ્રિતેશ ઉર્ફ દકો અલ્પેશભાઇ ગોટેચા (ઉ.૧૯-રહે. મવડી પ્લોટ વિશ્વેશ્વર મંદિર પાસે મારૂતિનગર-૨ બ્લોક નં. ૫૦), રૂષીક ઉર્ફ ટકો દલસુખભાઇ પરમાર (ઉ.૨૦-રહે. સોમનાથ-૨ શેરી નં. ૩, લક્કી પાર્ક ૧૫૦ રીંગ રોડ નાગરાજ બેંકવાળી શેરી) તથા અજય મનજીભાઇ ઉધરેજીયા (ઉ.૨૫-રહે. મેંગીણીના જુના માર્ગે લોધીકા) તેમજ દિપક રાવતભાઇ ડાંગર અને હેમરાજ સુરેશભાઇ ગઢવી મળી છની ધરપકડ કરી છે. સાતમો દિલીપ દેવીપૂજક હજુ ફરાર છે.
અજય ઉર્ફ સદામ મહેતા વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ અને યુનિવર્સિટી, પ્ર.નગરમાં પોલીસમાં મારામરી, વાહન ચોરી, દારૂ, ધમકીના ૬ ગુના તથા પ્રિતેશ ઉર્ફ દકો વિરૂધ્ધ તાલુકામાં મારામારીનો ગુનો, અજય સામે લોધીકામાં એક ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અપહૃત રાહુલે પોતાના પડોશમાં અજય મહેતાના મિત્ર દિલીપ દેવીપૂજક પાસેથી રૂ. ૭ હજાર ઉછીના લીધા હતાં. રાહુલ આ રકમ આપી શકતો ન હોઇ જેથી દિલીપના કહેવાથી અજય મહેતા સહિતનાએ રાહુલનું અપહરણ કરી ખંડણી માંગી હતી.
સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી હેઠળ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોર, બી. જી. ડાંગર, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, લાલજીભાઇ ડાંગર, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ, અલ્પેશભાઇ અવાડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.
આગળની તપાસ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ આર. એસ. સાકરીયા, ગોૈતમભાઇ, સંજયભાઇ દવે સહિતની ટીમ કરી રહી છે. પોલીસની રાતભર દોડધામને કારણે રાહુલ હેમખેમ મુકત થયો હતો.