રાજકોટ
News of Tuesday, 15th October 2019

વોર્ડ નં. ૧ રવિ રેસીડન્સી પાછળ ખાનગી પ્લોટમાં ૪૦ ટ્રકથી પણ વધુ કચરાના ગંજ

કચરો ઉપરાંત બિલ્ડીંગ વેસ્ટ - ખુલ્લામાં શૌચક્રિયા - શ્વાન, ગાયોના ત્રાસથી પીડાતા રહીશોઃ મ્યુ. કમિશ્નર જ આ સમસ્યા ઉકેલી શકશેઃ સ્થળ તપાસ જરૂરી : ૧૦-૧૦ વર્ષથી ખુલ્લા પ્લોટનું કોઈ ધણી ધોરી નથી, લોકો કચરો ઠાલવ્યે જ જાય છે : રાજકોટમાં અનેક ખાનગી ખુલ્લા પ્લોટો જ બન્યા છે કચરાના ન્યુશન્સ પોઈન્ટ :મ્યુ. કોર્પો.ના અધિકારીઓ-પદાધિકારીઓ વહેલી સવારે પદયાત્રા યોજી પરિસ્થિતિ નજરે નિહાળે :દિવસ દરમિયાન ટ્રેકટર ચાલકો બિલ્ડીંગ વેસ્ટ ઠાલવી જાય છે : ખાનગી દવાખાનામાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે

રાજકોટના વોર્ડ નં. ૧ ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના ધરમનગર પાસે રવિ રેસીડન્સીની પાછળના ખાનગી પ્લોટમાં કચરાના ગંજ જોવા મળે છે. આ પ્લોટમાં કચરો ઉપરાંત બિલ્ડીંગના વેસ્ટ, લીલા નાળીયેરના કાચલા, નાસ્તાની ડીસો વગેરે લોકો નાખી જાય છે. નવાઈની વાત તો એ છે કે આ પ્લોટમાં છેલ્લા એક માસથી મ્યુ. કોર્પો.ની સ્ટ્રીટ લાઈટનો સિમેન્ટનો થાંભલો પણ નાખી ગયુ છે છતાં તંત્રનું ધ્યાન આ પ્લોટ પર પડયુ જ નથી.

રાજકોટ, તા. ૧૫ :. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં સફાઈ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ દિવાળી સુધી સફાઈ અભિયાન હાથ ધર્યુ છે જે આવકારદાયક છે.

રાજકોટના વોર્ડ નં. ૧માં રવિ રેસીડન્સી પાછળ ઋષિવાટીકા સોસાયટીના વિશાળકાય ખાનગી પ્લોટમાં ૩૦ થી ૪૦ ટ્રક ભરાય એટલો કચરો - બિલ્ડીંગ વેસ્ટનો પડયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં શ્વાન અને ગાયોનો પણ એટલો જ ત્રાસ છે. આ વિશાળકાય પ્લોટના કચરામાંથી દરરોજ નિયમીત વહેલી સવારે ૭ થી ૮ અને દિવસ દરમિયાન ગમે ત્યારે ગાયો પ્લાસ્ટિક કે અન્ય કચરો ખાઈને પોતાનું જીવન નિર્વાહ ચલાવતી હોવાનું સ્પષ્ટ જણાય છે.

અગાઉના કમિશ્નર બંછાનીધિ પાનીએ શહેરમાંથી ગંદકીનું પ્રમાણ ઓછું કરવા માટે શહેરના ખાનગી પ્લોટ માલિકોને તેના પ્લોટની કોર્પોરેશનમાં નોંધણી કરાવવાનું ફરજીયાત બનાવેલ જેથી ભવિષ્યમાં આવા ખાનગી પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવી ગંદકી ઓછી કરી શકાય નગરપાલિકામાં ખાનગી પ્લોટની માહિતી પણ પડી છે હવે નવા મ્યુ. કમિશ્નર અગ્રવાલ આ કામગીરી આગળ ધપાવવી જોઈએ.

રાજકોટમાં ૨૦ - ૩૦ વર્ષથી અનેક પ્લોટો ખાલી પડયા છે. પ્લોટ હોલ્ડરો - બિલ્ડરો સમયસર મકાન બનાવતા નથી અને પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષીત કરતા નથી જેથી આવા ખુલ્લા પ્લોટમાં ગંદકી-કચરો-બિલ્ડીંગ વેસ્ટનો કચરો વધતો જ જાય છે.

આવા ખુલ્લા પ્લોટ જ ગંદકી માટે ન્યુશન્સ પોઈન્ટ હોય જેથી રોગચાળો ફેલાવાનુ આ પણ એક મોટુ કારણ છે. ખુલ્લા પ્લોટની સમસ્યા કાયમી ઉકેલાય એટલે રાજકોટમાં ગંદકીના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે.

આ રવિ રેસીડેન્સી પાસેના વિશાળ ખુલ્લા પ્લોટમાં ગંદકી અને દુર્ગંધને કારણે રોગચાળાએ પણ માથુ ઉંચકયુ છે. આ વિસ્તારમાં અનેક લોકોને તાવ, શરદી, ઉધરસ અને ડેંગ્યુએ પણ ભરડામાં લીધામાં આ વિસ્તારના તમામ ખાનગી દવાખાનામાં અને એમબીબીએસ ડોકટરોને ત્યાં સવારથી સાંજ દરરોજ દર્દીઓની કતારો જોવા મળે છે.

આ વિસ્તારમાં ધરમનગર-આવાસ યોજના રવિ રેસીડેન્સી ઋષિવાટીકા સોસાયટી તથા ખુલ્લા પ્લોટની પાછળ સંતોષપાર્ક ભરતવન સોસાયટી અને હાઈરાઈઝ બિલ્ડીંગ સહિત ૧૦૦૦થી વધુ રહેણાક મકાન ધરાવતો ગીચ વિસ્તાર છે ત્યારે આ વિસ્તારના લોકોને સ્વચ્છતાની સુવિધા પુરી પાડવા નગરપાલિકામાં અધિકારીઓ એક વખત વહેલી સવારે પદયાત્રા યોજીને જાત માહિતી મેળવે.

આ વિસ્તારમાં ઝૂપડપટ્ટીને કારણે ગાયો અને શ્વાનનો પણ એટલો જ ત્રાસ છે. તેમાંથી પણ આ વિસ્તારના લોકોને મુકત કરાવવા લોકલાગણી પ્રવર્તી રહી છે.

(4:03 pm IST)