રાજકોટ
News of Monday, 15th October 2018

વિવાદના એંધાણ...

૨૦મીનાં જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસી નહી શકેઃ મેયરનો નિર્દેશ

મ્યુ.કમિશનરે કોંગ્રેસના કોર્પોરેટરને ગેરલાયક ઠેરવી દીધા છે તેથી તેઓ બોર્ડમાં બેસી નહી શકેઃ ધર્મીષ્ઠાબાનો પ્રશ્ન પણ રેકોર્ડ પર નહીં લેવાયઃ કાનુની અભિપ્રાય તંત્રની તરફેણમાં હોવાનું જણાવ્યું બીનાબેન આચાર્ય

રાજકોટ તા.૧૫: આગામી તા.૨૦મીએ મળનારા મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસી નહી શકે તેવો નિર્દેશ મેયર બીનાબેન આચાર્યે આપ્યો છે.

આ અંગેની વિગતો મુજબ હજુ બે દિવસ અગાઉ કોંગ્રેસનાં ગેરલાયક ઠેરવાયેલ વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાનાં પ્રશ્ન જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં લેવા બાબતે કોંગ્રેસ પ્રમુખ સહિતનાં આગેવાનોઅ સેક્રેટરી સાથે માથાકુટ કરતાં આ બાબતે કાનુની અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

દરમિયાન આજે સવારે આ બાબતે મેયર બીનાબેન આચાર્યએ એવો નિર્દેશ આપ્યો હતો કે, ''અગાઉ સેક્રેટરીએ જયારે ધર્મીષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાની દરખાસ્ત મ્યુ.કમિશનરને કરી હતી તે વખતે જ કાનુની અભિપ્રાય મેળવ્યા પછી જ ધર્મીષ્ઠા બાને ગેરલાયક ઠેરવાયા છે અને તેઓની બેઠક ખાલી થયાની જાણ ચૂંંટણી પંચને કરી દેવાઇ હતી. ત્યારબાદ તેઓએ કાનુની લડત માંડી છે. પરંતુ આ કાનુની વિવાદમાં સ્ટે નથી આથી ધર્મીષ્ઠાબા જાડેજા કોર્પોરેટર તરીકે ગેરલાયકની સ્થિતિ આજે છે. આથી તેઓએ સ્વૈચ્છાએજ જનરલ બોર્ડમાં બેસવું ન જોઇએ કેમકે કોર્પોરેટર તરીકે તેઓને ગેરલાયક ઠેરવાયા છે. આથી ધર્મીષ્ઠાબા જનરલ બોર્ડમાં બેસી નહી શકે આમ છતાં જો તેઓ બોર્ડમાં બેસસે તો પરિસ્થિતિ મુજબ આગળની કાર્યવાહી થશે તેમ મેયરશ્રીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત પ્રશ્નોતરીમાં પણ ધર્મીષ્ઠાબાનો પ્રશ્ન રેકોર્ડ પર લઇ ન શકાય તેવી સ્પષ્ટતા પણ મેયરશ્રીએ આ તકે કરી હતી.આમ જનરલબોર્ડમાં ધર્મીષ્ઠાબા જાડેજાને બેસવા બાબતે જબરા વિવાદનાં એંધાણ વર્તાઇ રહયા છે.

પ્રેક્ષક ગેલેરી બંધ

આગામી જનરલ બોર્ડમાં પણ પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવશે તેમ મેયર બીનાબેન આચાર્યએ આ તકે જાહેર કર્યુ હતું.

(4:49 pm IST)